Hun To Bolish | હું તો બોલીશ | આ મોત માટે જવાબદાર કોણ?
મહેસાણાના કડી તાલુકાના જાસલપુર ગામે બપોરે 12 વાગ્યાની આસપાસ દુ:ખદ દુર્ઘટના બની. સ્ટીલ ઈનોક્સ સ્ટેઈનલેસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ઉતરી 10 મજૂરો દીવાલનું ચણતર કરી રહ્યા હતા. આ સમયે અચાનક માટીની ભેખડ ધસી પડી. જેમાં એકનો તો આબાદ બચાવ થયો. પરંતુ બાકીના 9 શ્રમિક દબાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી. તો DDO અને SP સહિત પોલીસનો કાફલો પહોંચ્યો. JCBની મદદથી માટી હટાવવાનું શરૂ કરાયું. જો કે, દબાઈ ગયેલા નવ શ્રમિકમાંથી એક પણને બચાવી ન શકાયા. તમામ 9 શ્રમિકોના મૃતદેહ બહાર કઢાયા. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને કડીની સિવિલ હોસ્પિટલ લઈ જવાયા..દુર્ઘટનામાં બચી જનારા શ્રમિકે મોટો ખુલાસો કર્યો કે, ભેખડ ધસી પડશે તેવી સુપરવાઈઝરને જાણ કરી હતી. પરંતુ તે ન માન્યો અને સેફ્ટીના વિના જ કામ કરાવડાવ્યું.
મૃતક 9 શ્રમિકો પૈકી મૃતકોમાં 2 મહિલા છે. એક દંપત્તિ છે. તો બે સગાભાઈઓનો આ દુર્ઘટનામાં જીવ ગયો છે. 9 મૃતકો પૈકી 6 દાહોદ જિલ્લાના વતની છે. તો બાકીના 3 રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના છે. PM મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારને 2 લાખની સહાય જાહેર કરી છે. તો રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય જાહેર કરી છે. તો બીજી તરફ, કંપનીના કોન્ટ્રાકટર અને સુપરવાઈઝરને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે. અને બંનેને કડી પોલીસ લઈ જઈ પૂછપરછ હાથ ધરાઈ છે.