Ahmedabad Crime News | 40 લાખની લૂંટ કંઈક આવી રીતે બની હતી... જુઓ આ વીડિયોમાં ડિટેલ
એસજી હાઇવે પર શનિવારે સાંજ 6.30 વાગ્યાની આસપાસ કર્ણાવતી કલબની સામે શેલ્બી હોસ્પિટલની ગલીમાં અંજની ટાવર પાસે 40 લાખની લૂંટની ઘટના બની હતી. જેમાં બોપલ વિસ્તારમાં રહેતા શ્યામ સુંદર વાછાણી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. શ્યામ સુંદર પ્રહલાદનગરમાં સીમા હોલ પાસે આવેલી પી.એમ. આંગડિયા અને એચ.એમ. આંગડિયા પેઢીમાંથી 20-20 લાખ એમ કુલ 40 લાખ રોકડા લઈને નીકળ્યા હતા. ઇનોવા ગાડીમાં પૈસા લઇ તેઓ બોપલ ખાતેના ઘરે જતા હતા. આ દરમિયાનમાં રસ્તામાં કેટલાક શખ્સોએ પીછો કરીને ગાડીમાં પંચર હોવાનું કહ્યું હતું. જોકે શ્યામ સુંદરે ધ્યાન આપ્યું નહોતું. જ્યારે તેઓ શેલ્બી હોસ્પિટલ પાસે આવેલા અંજની ટાવર પાસે પહોંચ્યા ત્યારે તેમને પંચર પડ્યું હોવાનું લાગ્યું હતું. જેથી શ્યામ સુંદરે ગાડી ઊભી રાખી અને નીચે ઉતર્યા હતા. આ દરમિયાન પીછો કરનાર બાઇક ચાલકો ત્યાં આવીને નજર ચૂકવીને કારમાંથી 40 લાખ ભરેલી બેગ ઉઠાવીને ફરાર થઇ ગયા હતા. શ્યામ સુંદરને આ બાબતે જાણ થતાં તેઓએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી.