Gujarat Police: પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ

Continues below advertisement

અમદાવાદ શહેરમાં વધતા જતા ટ્રાફિક અને તેના કારણે થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનરે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર, અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી, કર્મચારી અને સિવિલિયન સ્ટાફે ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે.

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રોડ અકસ્માતમાં થતાં મૃત્યુની સંખ્યા ઘટાડવાનું છે. NCRB દ્વારા પ્રકાશિત 2022ના આંકડા મુજબ, ભારતમાં કુલ 1,71,100 વ્યક્તિઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયા હતા, જેમાંથી 45.51% મૃત્યુ ટુ વ્હીલર વાહનચાલકોના હતા. ગુજરાતમાં 2022માં કુલ 7,634 લોકોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયા, જેમાંથી 49.17% મૃત્યુ ટુ વ્હીલર વાહનચાલકોના હતા.

આદેશમાં નીચેની મુખ્ય સૂચનાઓ આપવામાં આવી છે:

તમામ પોલીસ કર્મચારીઓએ યુનિફોર્મ કે સિવિલ ડ્રેસમાં, ફરજના સ્થળે કે અન્યત્ર જતી વખતે ટુ વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરવું.
સુપરવાઇઝરી અધિકારીઓ અને ઇન્ચાર્જોએ તેમના તાબા હેઠળના કર્મચારીઓ હેલ્મેટ પહેરે તે સુનિશ્ચિત કરવું.
પોલીસ કમિશનર કચેરી સહિત તમામ પોલીસ સ્ટેશન, શાખા અને યુનિટના પ્રવેશદ્વાર પર હેલ્મેટની ચકાસણી કરવામાં આવશે.
હેલ્મેટ વગર આવનાર કર્મચારીઓને કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદા મુજબ દંડ અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
આ પગલું માત્ર પોલીસ કર્મચારીઓની સલામતી માટે જ નહીં, પરંતુ સમાજમાં એક ઉદાહરણ સ્થાપિત કરવા માટે પણ લેવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે આ આદેશની ચુસ્તપણે અમલવારી કરવા તમામ સુપરવાઇઝરી અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram