MICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
બોપલ વિદ્યાર્થીની હત્યાકાંડ કેસમાં પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન શરૂ કર્યુ હતુ, આજે બપોરના સમયે પોલીસના કાફલા સાથે આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી. આરોપીએ MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની ચપ્પૂના ઘા મારીને હત્યા કરી દીધી હતી.
11 નવેમ્બરે મોડી રાત્રે બોપલમાં થયેલી MICA વિદ્યાર્થીની હત્યા કેસમાં આજે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ હતુ, આ કેસને લઇને આજે બપોરે પોલીસ ટીમ કાફલા સાથે આરોપીને લઇને બોપલ પહોંચી હતી, આ દરમિયાન આરોપી વિરેન્દ્રસિંહ સતત રડતો હતો, અને પોતાની ગુનાની માફી માંગી રહ્યો હતો. વિદ્યાર્થીની હત્યા કરી તેના પર અફસોસ વ્યક્ત કરી રહ્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ખુલ્લા પગે અને ટીશર્ટમાં જોવા મળ્યો હતો, અને તેને દોરડા સાથે બાંધીને બોપલના રસ્તાં પર ફેરવવામાં આવ્યો હતો. પોલીસે રિકન્સ્ટ્રક્શન કરીને સમગ્ર ઘટનાના પુરવાઓ વધુ મજબૂત રીતે એકત્રિત કર્યા હતા.
પોલીસ અધિકારીઓ આરોપી વિરેન્દ્રસિંહ પાસેથી સમગ્ર ઘટના અંગે માહિતી લઇ રહ્યાં છે, જેમાં કઇ રીતે કાર ચલાવી, કેટલી સ્પીડમાં કાર હતી, વિદ્યાર્થીઓ સાથે કઇ રીતે માથાકૂટ થઇ, ચપ્પૂના ઘા ક્યાં અને કેવી રીતે માર્યા. ત્યાં તે સમયે કોણ કોણ હતુ વગેરે વગેરે. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી પોલીસ સ્ટાફની સામે રડતો દેખાઇ રહ્યો હતો.