Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂર
મગફળી લઈને ખેડૂતો પહોંચ્યા ભાવનગર જિલ્લાના માર્કેટ યાર્ડ. પરંતુ ટેકાના ભાવે ખરીદી જ ન કરાઈ. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 નવેમ્બરે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાવી હતી. જો કે, ભાવનગર જિલ્લામાં ખેડૂતોને જાણે ટેકાના ભાવે ખરીદીના નામે લોલીપોપ અપાઈ. ભાવનગર જિલ્લામાં 7 હજાર, 745 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સરકારે ભાવનગર જિલ્લામાં કુલ 5 કેન્દ્ર પણ ફાળવ્યા. જો કે, ખરીદી જ શરૂ નથી થઈ.. નાછૂટકે ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે. સરકારે પ્રતિ મણ મગફળીના 1356 રૂપિયા ભાવ જાહેર કર્યા છે.. પરંતુ ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતાં ખેડૂતો ખુલ્લા બજારમાં 1 હજારથી 1100 રૂપિયામાં મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતોનો આરોપ છે કે, વેપારીઓ અને દલાલોને ફાયદો થાય તે માટે આ તરકટ થઈ રહ્યું છે. આ તરફ યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે જગ્યાનો અભાવ હોવાથી ટેકાના ભાવે ખરીદીની શરૂ નથી થઈ. હાલ તો ભાવનગર માર્કેટ યાર્ડ મગફળીથી છલકાયું છે. તમિલનાડુ સહિત અન્ય રાજ્યોમાંથી વેપારીઓ મગફળી ખરીદવા પહોંચ્યા છે. આરોપ છે કે, દલાલો અને વેપારીઓ પહેલા ખેડૂતો પાસેથી મગફળી ખરીદે છે. ત્યારબાદ કમિશન ચડાવી તમિલનાડુના વેપારીઓને વેચી દે છે.. ખેડૂતો કરતાં દલાલો અને સ્થાનિક વેપારીઓ મોટું કમિશન ખાઈ રહ્યા છે.