Bharuch Rain Update | ભરૂચમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા શહેરમાં જળબંબાકાર
ભરૂચમાં આજે બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો અને થોડી જ વારમાં તે મુશળધાર વરસાદમાં પરિણમ્યો હતો. માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જુના ભરૂચના ફાટા તળાવ અને ફુરજા વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડ્યો હતો. પાણીના પ્રવાહમાં અનેક વાહનો તણાયા હતા અને લોકોને જીવના જોખમે રસ્તો પાર કરવો પડ્યો હતો.
શહેરના મહત્વના સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે માર્ગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તરફ ભરૂચના ઢાલથી મહંમદ પુરાને જોડતા બિસ્માર માર્ગ પર તાજેતરમાં જ તંત્ર દ્વારા બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે પણ વરસાદી માહોલમાં ધોવાઈ ગઈ હતી.
હવામાન વિભાગે આવતીકાલ માટે ભરૂચ અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આને ધ્યાનમાં રાખીને ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.