Bharuch News | સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવાની સાયકલ આખરે ભંગારમાં ગઈ!
ભરૂચ જિલ્લાનામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી 246 સાઈકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે, ત્યારે આ મામલે અંકલેશ્વર યૂથ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરી જરૂરી તપાસની માંગ કરવામાં આવી છે. જોકે, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સાઈકલને કયા કારણોસર ભંગારમાં આપવામાં આવી છે, તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સરકારી યોજનાની બલીહારીના દ્રશ્યો આજે અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ 2014-15માં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાઈકલની ખરીદી કરવામાં આવી હતી. પરંતુ 9 નવ વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તંત્રના અધિકારીઓ પાસે સાઈકલનું વિતરણ કરવાનો સમય ન હોય તેમ લાગી રહ્યું છે. જોકે, આખરે હવે તમામ સાઈકલની હરાજી કરી અને તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે. આ અંગે કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર યુથ કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કે, ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાઈકલ ખરીદવામાં આવી હતી. પરંતુ જે તે સમયે સાઈકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે આ સાઈકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે.
તો બીજી તરફ, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2014-15માં જંબુસર, આમોદ અને અંકલેશ્વરમાં ખરીદાયેલ 246 નંગ સાઈકલનો હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં પડતર કિંમત 850 રૂપિયા રાખવામાં આવી હતી. જેની સામે 1 હજાર રૂપિયાના ભાવે બિનવિતરીત તમામ સાઈકલોને ભંગારમાં આપવામાં આવી છે. જોકે, રાજ્ય સરકારના પરિપત્રના આધારે આ કામગીરી કરવામાં આવી હોવાનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.