Raghavji Patel | ખેતીમાં થયેલા નુકસાનના સર્વે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન

Continues below advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે  વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ કેબિનેટમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્નાએ વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અને તેનાં અનુસંધાને કરવામાં આવેલ કામગીરીથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી કે.સી.સંપટે જિલ્લામાં થયેલી કામગીરી અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં વરસાદની સ્થિતિને પગલે ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. તેમણે જિલ્લામાં અતિવૃષ્ટિનાં કારણે માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, રોડ-રસ્તાઓ, સ્થળાંતર, રેસ્ક્યુ, ડેમોની સ્થિતિ, રાહત બચાવ કામગીરી અને મૌસમના કુલ વરસાદની સ્થિતિ અંગે મંત્રીશ્રીને વિગતવાર જાણકારી આપી હતી.  
     
બેઠકમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવતા જરૂરી માર્ગદર્શન આપી એલર્ટ રહેવા સૂચના આપી હતી. વધુમાં તેમણે વરસાદની સ્થિતિ સામાન્ય થયા બાદ ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી માટેનું આગોતરુ આયોજન ઘડી કાઢવા જણાવ્યું હતું. વીજ પુરવઠો યથાવત રહે અને જ્યાં ખોરવાય તે વિસ્તારોમાં ફોલ્ટની ફરિયાદો સાંભળવા માટે ટીમ કાર્યરત રહે તેની વિશેષ કાળજી રાખવા માટે મંત્રીશ્રીએ સૂચના આપી હતી.  વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, ગંદકીનો નિકાલ કરાવવા સહિત રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ અને ક્લોરિનેશન સહિતનાં તકેદારીના પગલાં ઝડપથી ભરવા, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, ભારે વરસાદના કારણે જિલ્લામાં ખેતીવાડીને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવા અને તમામ વિભાગોને સંકલનમાં રહી કામગીરી કરવાનાં નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં તમામ ધારાસભ્ય અને સાંસદ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram