Janmashtami 2024: કૃષ્ણની ભક્તિમાં લીન થયા ભક્તો, જુઓ જન્મોત્સવ પહેલાનો માહોલ
રાજ્યના વિવિધ મંદિરોમાં હાલમાં ગોકુળિયા ગામ સમો માહોલ સર્જાઈ ગયો છે અને શ્રીકૃષ્ણના જન્મને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ભક્તજનો કીર્તન ભક્તિમાં લીન બન્યા છે અને ભગવાનને ગદ ગદ કંઠે જન્મ લેવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજ્યના વિવિધ મંદિરોમાં ભક્તજનો કીર્તન ભક્તિની સાથે સાથે ગરબા અને દુહા છંદ ગાઇને ભગવાનને રીઝવી રહ્યા છે. વિવિધ મંદિરોમાં ભગવાનને અનોખા શણગાર કરવામાં આવ્યા છે ત્યારે શામળાજીમાં ભગવાનના ગદાધારી સ્વરૂપના મનમોહક દર્શન થયા હતા
આજે ગુજરાતભરમાં ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણના જન્મોત્સવની પરંપરાગત રીતે ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે અને હવે કૃષ્ણજન્મોત્સવને ગણતરીના કલાકો બાકી રહેતા ભક્તો આતૂરતાથી રાહ જોઈ રહ્યાં છે. ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભાવિકો કૃષ્ણ જન્મોત્સવમાં કાળિયા ઠાકરના દર્શને આવ્યા હોવાથી તંત્ર દ્વારા યાત્રીકો માટે સુવિધા અને સલામતીની આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સુંદર વ્યવસ્થા સાથેનું આયોજન કર્યું છે.