Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન
Amreli News: અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડ કેસમાં આરોપી પાટીદાર યુવતી પાયલ ગોટીને આખરે જામીન મળ્યા છે, જેનાથી કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર સમાજના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો એક બોગસ લેટરપેડ સોશિયલ મીડિયા પર ફરતો થયો. આ બાબતે કાનપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેના પગલે પોલીસે ભાજપના એક પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી. જો કે, વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે પોલીસે આ કેસમાં સંડોવાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢ્યું, જેના કારણે ભારે વિરોધ થયો.
આ ઘટનાક્રમ વચ્ચે, શુક્રવારે સેશન્સ કોર્ટમાં પાયલ ગોટીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે યુવતીની જામીન અરજી મંજૂર કરી. આ નિર્ણયથી કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર અને અન્ય સમાજના લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. કોર્ટે પંદર હજારના બોન્ડ પર રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. આવતીકાલે, શનિવારે, આરોપ મુક્ત કરવાની અરજી પર સુનાવણી થશે અને જો કાર્યવાહી સમયસર પૂર્ણ થશે તો પાયલ ગોટીને આજે જ જેલમાંથી મુક્તિ મળી શકે છે.