Navsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયો

Continues below advertisement

ગુજરાત બોગસના નામે પ્રસિદ્ધ થઈ રહ્યું છે. ત્યારે નવસારીમાં પણ કોઈપણ પ્રકારની ડિગ્રી અને નોંધણી વગર આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથીક હોસ્પિટલ ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરને નવસારી SOG પોલીસની ટીમે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. 

નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમ હાલમાં જિલ્લામાં ડિગ્રી વિનાના ઝોલાછાપ ડોક્ટરોને પકડી પાડવા અભિયાન ચલાવી રહી છે. જેમાં નવસારી તાલુકાના સાતેમ ગામે ઘરમાં શિવ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવી, પંચગવ્ય અને નેચરોપેથી સારવાર આપતો હોવાની આડમાં બિન્દાસ એલોપેથીક હોસ્પિટલ ચાલતી હોવાની મળેલી બાતમીને આધારે SOG પોલીસની ટીમે ગત મોડી રાતે સાતેમ ગામે શિવ આયુર્વેદિક હોસ્પિટલમાં છાપો માર્યો હતો. છાપો મારતા જ જિલ્લા આરોગ્ય વિભાગના ડોકટર સાથે પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ હોસ્પિટલમાં 7 બેડ રાખવામાં આવ્યા હતા, જેમાં દાખલ દર્દીઓને એલોપેથીક સારવાર આપવામાં આવી હતી. દર્દીઓને ગ્લુકોઝ તેમજ અન્ય ઇન્જેક્શનના બોટલો ચઢાવવામાં આવ્યા હતા. સાથે જ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં એલોપેથીક દવાઓ પણ મળી આવી હતી. જેથી પોલીસે આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતા બોગસ ડૉ. નટવરગીરી ગોસ્વામીની પૂછપરછ કરતા તેમની પાસે સરકાર માન્ય એલોપેથીક પ્રેક્ટિસ કરવાની કોઈ ડિગ્રી ન હતી. સાથે જ હોસ્પિટલ ચલાવવાના કોઈ દસ્તાવેજો પણ આપી શક્યો ન હતો. હોસ્પિટલમાં ડોક્ટરોને સારવાર આપવા સાથે ઓપરેશન કે પ્રસૂતિ પણ કરાવવામાં આવતી હોય એવા સાધનો મળી આવ્યા હતા. જેથી પોલીસે ઝોલાછાપ ડૉ. નટવરગીરી ગોસ્વામીની ધરપકડ કરી, હોસ્પિટલમાંથી દવા, બોટલો, ઇન્જેક્શન સહિત 2.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે આવતા નવસારીના જાણીતા M.S. ઓર્થો. ડૉ. કિશોર મોદીની પણ પૂછપરછ કરી હતી. જોકે ડૉ. કિશોર મોદી ફકત મુલાકાતી ડોકટર તરીકે જતા હોવાથી પોલીસે હાલ કોઈ કાર્યવાહી કરી નથી. બીજી તરફ આરોપી ડૉ. નટવરગીરી ગોસ્વામી વિરુદ્ધ BNS અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ અધિનિયમ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે અત્યાર સુધીમાં 9 ઝોલાછાપ ડોકટરો સામે કાર્યવાહી કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram