Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
ચોમાસુ શરૂ થતાની સાથે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય રસ્તાઓ ઉપર અડિંગો જમાવીને બેસી રહેતા રખડતા ઢોરો ટ્રાફિક સમસ્યા સાથે જ અકસ્માતોને પણ નોતરી રહ્યા છે. વર્ષોથી ઠેરની ઠેર રહેલી રખડતા ઢોરોની સમસ્યા નવસારી પાલિકા લાખો રૂપિયાનુ પાણી કરવા છતા ઉકેલી શકી નથી. જ્યારે રસ્તે રઝળતા ઢોરોના ત્રાસથી લોકો પણ કંટાળ્યા છે, ત્યારે રસ્તે સભા ભરીને બેસી રહેતા ઢોરોની સમસ્યાનો તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં એવી માંગ ઉઠવા પામી છે.
રખડતા ઢોરોનો ત્રાસ એ શહેરીજનો માટે આતંક બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાઇકોર્ટ દ્વારા તમામ પાલિકાઓને પોતાના વિસ્તારમાં ઢોર વાડો બનાવી રખડતા ઢોરો પકડવા માટે જણાવ્યું છે. પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકા છેલ્લા સાત વર્ષથી પોતાની જમીન ઢોર રાખવા માટે મેળવી શક્યા નથી. કલેકટર કક્ષાએ તમામ કામ અટક્યું હોવાના રાગ પાલિકા તંત્ર છેલ્લા 5 વર્ષથી આલાપી રહ્યું છે. શહેરીજનોની પણ વારંવારની માંગ છતાં પાલિકા દ્વારા રખડતા ઢોર અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. શહેરીજનોના વિરોધ જ્યારે પણ થાય તેટલો સમય પાંજળા પોળ ખાતે રખડતા ઢોરને મુકવામાં આવે છે. જેમાં તેના નિભાવ માટે મસ્ત મોટા ખર્ચ ચૂકવતા આવ્યા છે પરંતુ આ ખર્ચને પહોંચી નહીં વળતા પાલિકા ઢોર પકડીને તેના નિભાવ માટે નીસફળ બની છે. રખડતા ઢોરને કારણે વારમ વાર અકસ્માતની ઘટના પણ જિલ્લામાં સામે આવી છે જેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. હાલમાજ દશેરા ટેકરી ખાતે એક મહિલા પર ઢોર દ્વારા હુમલો કરાતા સારવાર અર્થે ખસેડાઇ છે. હજી પણ આવીજ પરિસ્થિતિમાં કેટલો સમય નવસારીના લોકો રહેશે અને ક્યારે પાલિકાને પોતાની ઢોરવાડા માટે જમીન મળશે તેની મૂંઝવણમાં લોકો મુકાયા છે.