Gujarat Rain Forecast | ગુજરાતમાં આજે ક્યાં ક્યાં તુટી પડશે વરસાદ? જુઓ હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Rain Updates: રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. ઉત્તરથી લઇ દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો અને તારાજી પણ સર્જી છે. હવે ફરી એકવાર મેઘરાજા તાંડવ મચાવવા તૈયાર છે. ભારે ઉકળાટ બાદ આજથી આગામી દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધારદાર બેટિંગ કરશે. સળંગ બે દિવસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. રાજ્યમાં આગામી 25 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવે લેટેસ્ટ આગાહીમાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે, આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, 20-21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઑગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમની સાથે ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જામનગર અને અમરેલીના ધારી તાલુકામાં 3-3 મિમી વરસાદ ખાબક્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં વાતાવરણમાં ઉકળાટ પછી ગાજવીજ સાથે સારો એવો વરસાદ ખાબક્યો છે. રાજ્યના કુલ 207 પૈકી 52 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના 38, કચ્છના છ, તો દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ છે. 206 પૈકી રાજ્યના 90 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે જેમાંથી પૈકી 90 ટકાથી વધુ ભરાયેલા 63 ડેમ હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 17 ડેમ એલર્ટ પર છે. તો 70થી 80 ટકા ભરાયેલા 10 ડેમ વોર્નિંગ પર છે.