LokSabha Election: ગેનીબેન ઠાકોરના ભાજપ પર સીધા પ્રહાર, રૂપાલા મુદ્દે ક્ષત્રિયો ઉગ્ર, ભાજપને ઠેર ઠેર આપી રહ્યાં છે જાકારો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને માહોલ ગરમ છે, રાજ્યમાં રૂપાલા મુદ્દે હજુપણ ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધમાં છે, અને ઠેર ઠેર સભાઓ દરમિયાન હોબાળો કરી રહ્યાં છે
રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન થશે. જેને લઈ હાલ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વને રાજકોટનાં પાયાનાં કાર્યકર્તા નાલાયક લાગ્યા એટલે અમરેલીથી આયાતી ઉમેદવાર ઉતાર્યા. રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર ધાનાણીએ એબીપી અસ્મિતા સાથેની exclusive વાતમાં રાજકોટ બેઠક પર વર્ગ વિગ્રહ કરવો પ્રયાસ થતો હોવાનો બીજેપી પર આરોપ પણ લગાવ્યો. એટલું જ નહીં રાજકોટ બેઠક પર લેઉવા અને કડવા પાટીદારોને સામ સામે લેવાનો પ્રયાસ બીજેપી કરતી હોવાની આશંકા પણ ધાનાણી એ વ્યકત કરી. રાજકોટ લોકસભા અંતર્ગત વાંકાનેરનાં ગ્રામીણ વિસ્તારમાં ધાનાણીએ આજે પ્રચાર કર્યો. પૂર્વ ધારાસભ્ય લલિત કાગથરા, પૂંજા વંશ, જાવેદ પીરજાદા સહિતનાં નેતાઓ ધાનાણીનાં પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. પોતાને સરદારના અસલી વારસદાર ગણાવનારા અને બીજેપીનાં નેતાઓને નકલી વારસદાર ગણાવનાર. ધાનાણીએ અસલી-નકલી ની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી, ઉપરાંત અનેક આરોપો બીજેપી પર લગાવ્યા હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો વાયરલ કરવા મામલે અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. સતિષ વણસોલા અને આર.બી.બારીયા નામના બે આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી. બંન્ને આરોપી પર અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયો એડિટ કરીને વાયરલ કરવાનો આરોપ છે. સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે ઝડપાયેલ બંન્ને આરોપી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા છે. સતીષ વણસોલાની ધરપકડ પર જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે સતીષ વણસોલા મારો PA નહીં, મારો ભાઈ સમાન છે. સતીષ છ વર્ષથી મારી સાથે જોડાયેલ છે. મેવાણીએ કહ્યું હતું કે સતીષના આત્મસન્માન માટે લડીશું. અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સામાન્ય પરિવારના દીકરાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ તો તપાસનો વિષય છે. ભાજપના સહપ્રવક્તા દિપક જોશીએ કહ્યું હતું કે વીડિયો વાયરલ કરનાર એ પણ જવાબદાર વ્યક્તિ છે. ભાજપ નેતા જયરાજસિંહે કહ્યું હતું કે આરોપી કયા સમાજ કે જ્ઞાતિનો છે તે લેવાદેવા નથી. કૉંગ્રેસ જ્ઞાતિગત રાજનીતિ કરે છે. આ નકલી વીડિયો કોણે વાયરલ કર્યો તે તપાસનો વિષય છે.
સુરત ભાજપ માટે હાલમાં જ એક આનંદના સમાચાર સામે આવ્યા હતા, સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટયા અને ભારતીય જનતા પાર્ટીને 2024 લોકસભા ચૂંટણી દરમિયાન પહેલા સાંસદ મળી ગયા, પરંતુ હવે સુરતમાં ભાજપમાં જ અંદરોઅંદર ડખો શરૂ થયો છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી દેખાઇ રહી છે. આ બન્ને આપ નેતાના ભાજપ પ્રવેશનાં કાર્યક્રમથી દરમિયાન વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી ગેરહાજર રહ્યાં હતા, તેમની ગેરહાજરીથી નવો ગણગણાટ શરૂ થયો છે. નારાજ થયેલા સ્થાનિક ધારાસભ્ય ભાજપના ભરતી મેળાથી અને સભાઓ દુર અને અળગા રહી રહ્યાં છે. જોકે, જ્યારે તેમને આ અંગે પુછવામાં આવ્યુ તો તેમને કહ્યું કે મારા સિદ્ધાંતોના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો છું. કિશોર કાનાણીએ જણાવ્યું કે, ચૂંટણી વખતે રાજકીય પક્ષો જે નિવેદનો આપે છે તેને લોકો યાદ રાખે છે. મેં પણ મારા નિવેદનો યાદ રાખ્યા છે. હું મારા સિદ્ધાંતો નહીં છોડું, પાર્ટીએ જે નિર્યણ કર્યો છે તે માન્ય છે. ગઇ વિધાનસભા ચૂંટણી વખતે સુરતની વરાછા બેઠક પર ભાજપના કિશોર કાનાણીની સામે આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા તેમની સામે મેદાનમાં ઉતર્યા હતા, જોકે, અલ્પેશની હાર થઇ હતી.
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા પહેલા રાજકીય પક્ષો અને નેતાઓના તીક્ષ્ણ નિવેદનો સામે આવી રહ્યા છે. આ ક્રમમાં, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તેમને મહારાષ્ટ્ર સાથે કોઈ લેવાદેવા નથી. મોદીજીનો આ આત્મા જે ભટકી રહ્યો છે તે ભાજપનું સ્મશાન બનવા જઈ રહ્યું છે. બીજેપીના અંતિમ સંસ્કાર ક્યાંય થશે તો મહારાષ્ટ્રમાં થશે. તેમણે કહ્યું, "આ આત્મા, જે દિલ્હી અને ગુજરાત થઈને મહારાષ્ટ્ર આવે છે, તે વારંવાર મહારાષ્ટ્રમાં કેમ ભટકી રહી છે? તે ભટકી રહી છે કારણ કે 4 જૂન પછી મહારાષ્ટ્ર ભાજપ માટે સ્મશાન સમાન બનવા જઈ રહ્યું છે. તેથી જ તેનો આત્મા ભટકી રહ્યો છે. મહારાષ્ટ્ર બીજેપીના સ્મશાન સમાન છે કે જેમણે મહારાષ્ટ્રને તોડવાનું ષડયંત્ર રચ્યું છે, ભલે તે શરદ પવાર હોય કે ઉદ્ધવ ઠાકરે, તેમનો આત્મા મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભટકી ગયો છે આ આત્મા સાથે અમારી લડાઈ છે, આ અઘોરી આત્મા છે."
મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે, હાલમાં જ તેમને વિજાપુર તાલુકામાં એક જનસભાને સંબોધતા 'પાઘડી' પ્રચાર શરૂ કર્યો હતો. ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે કુકરવાડામાં એક ચૂંટણી સભાને સંબોધી હતી, આ સભામાં મોટાભાગે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા, અહીં રામજી ઠાકોરે 'પાઘડી' રાજનીતિ શરૂ કરી હતી. કુકરવાડામાં સભા સંબોધતા વખતે રામજી ઠાકોરે ફરી એકવાર પોતાની પાઘડી ઉતારી દીધી હતી, તેમને પાઘડી ઉતારી ક્ષત્રિય સમાજના લોકો પાસે મતની અપીલ કરી હતી. ઠાકોર સમાજને પાઘડીની આબરૂ રાખવા બે હાથ જોડીને રામજી ઠાકોરે અપીલ કરી હતી, અને કહ્યું કે આ ઠાકોરની આબરૂ રાખજો. ખાસ વાત છે કે, આ અગાઉ પણ કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે મહેસાણાની એક જનસભામાં પોતાની પાઘડી ઉતારીને મત આપવા અપીલ કરી હતી.
બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. અહીં ભાજપે રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતર્યા છે, તો વળી, કોંગ્રેસે પણ ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. અત્યારે રાજ્યમાં ક્ષત્રિયો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના અમીરગઢની ગેનીબેન ઠાકોરની એક સભા ખુબ ચર્ચામાં આવી છે. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવારને ક્ષત્રિય સમાજનું સમર્થન મળ્યુ છે. ગેનીબેન ઠાકોરે જિલ્લાના અમીરગઢમાં એક સભા કરી હતી, અહીં તેમને ક્ષત્રિય સમાજનું સમર્થન મળ્યું હતુ. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનને ટાંકીને કહ્યું કે, આપણે કોઇને મારવાના નથી, પણ આંખો જ ડરાવવાના છે, અમીરગઢ તાલુકામાં ક્યાંય પણ તમે ભાજપની સભા ના થવા દેતા. ગેનીબેન ઠાકોરની આ સભામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે પુરજોશમાં પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમીરગઢ બનાસકાંઠાનો એક તાલુકો છે, જેમાં અંદાજિત દોઢ કરતાં વધુની વસ્તી છે.
બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદારની ટક્કર જામી છે, અહીં ભાજપના રેખાબેનની સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર મેદાનમાં છે. હાલમાં જ ગેનીબેન ઠાકોરે ભાજપ અને બનાસ ડેરી પર અમીરગઢમા યોજાયેલા એક સંમેલનમાં જોરદાર અને આકરા પ્રહાર કર્યા છે. ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેન ઠાકોરે ચિમકી આપી છે કે, અહીં બનાસ ડેરી વાળા આવે તો ભગતસિંહ વાળી કરજો.
અમીરગઢ તાલુકામાં યોજાયેલા ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેન ઠાકોરે બનાસ ડેરી પર પ્રહાર કરતું નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, ચૂંટણી છે એટલે કે ડેરીના લોકો અને સુપરવાઈર અહીં આવશે, તમે લોકો પહેલા તેમને ગાંધીજીની રીતે સમજાવજો, જો ના સમજે તો ભગતસિંહ અને મહારાણા પ્રતાવ વાળી કરજો. ગેનીબેને ભાજપ અને બનાસ ડેરી મુદ્દે કહ્યું કે, ભાજપ પાસે હવે ખોટું કર્યા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો, તે લોકો મતદાનના દિવસે મૉકપૉલિંગમાં 50 - 50 મત નાંખી દેશે, દરેક બૂથમાં ભાજપવાળા 50 - 50 મત નાંખી 1 લાખની લીડ લેશે. કોંગ્રેસના એજન્ટો આવું ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. ઉલ્લેખનીય છે કે, અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેનને ખુલ્લુ સમર્થન મળ્યુ છે. ગેનીબેને આ દરમિયાન તાલુકામાં ભાજપની એક પણ સભા ના થવા દેવા પણ આહવાન કર્યુ હતુ.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં બે વિચારધારાની લડાઈ છે. ભાજપ-RSSના લોકો બંધારણને ખત્મ કરવા માંગે છે. કોંગ્રેસ-ગઠબંધન બંધારણની રક્ષા કરે છે. બંધારણ બદલવાનું ભાજપના નેતાઓ જાહેરમાં બોલે છે. બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે. 22-25 લોકો હિંદુસ્તાનના રૂપિયાને કંટ્રોલ કરે એ PMની ઈચ્છા છે. 22 લોકોની સંપતિ 70 કરોડ ભારતીયો જેટલી છે. યુપીએની સરકારમાં ખેડૂતો પરનું દેવું માફ કરાયું હતું. મોદી સરકાર ઉદ્યોગતિની સરકાર છે. ખેડૂતો, વેપારીઓનો ફાયદો ઉદ્યોગપતિઓ જોઇ શકતા નથી. ભાજપના નેતાઓ અનામત ખત્મ કરવા માંગે છે. દેશમાં ગરીબો, દલિતો, આદિવાસીઓ માટે અનામત છે. હિંદુસ્તાનમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે .હિંદુસ્તાનમાં સૌથી મોટો મુદ્દો ખેડૂતોની સ્થિતિ છે. અત્યારે યુવાઓ રોજગારી માટે ભટકે છે. રાહુલ ગાંધીએ ભાષણમાં ભાવનગરના મહારાજાને યાદ કર્યા હતા. દેશને રાજ અર્પણ કરનાર ભાવનગરના મહારાજાનો રાહુલે આભાર માન્યો હતો. રાહુલે કહ્યું કે દેશને રાજ સમર્પિત કરનાર ભાવનગરના મહારાજાને યાદ કરું છું.
રાજ્યમાં ઠેર ઠેર ભાજપના નેતાઓનો વિરોધ થઇ રહ્યો છે, આગામી 7મેએ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર એકજ દિવસે લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે. ત્યારે આ પહેલા ભાજપે ડેમેજ કન્ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધું છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ભાજપે ક્ષત્રિય ઠાકોર સમાજને સમજાવવા અને મનાવવા માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે હવે ક્ષત્રિયોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. બહુચરાજી અને કડી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે અલ્પેશ ઠાકોરે બેઠક યોજી હતી, જેમાં ક્ષત્રિય સમાજની નારાજગી દુર કરવાના પ્રયાસો કરાયા હતા. અલ્પેશ ઠાકોરે આ બેઠકમાં ક્ષત્રિય આગેવાનોને સમજાવતા કહ્યું હતુ કે, દેશમાં નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે, તેઓ વિકાસ અને ધર્મનું યુદ્ધ લડી રહ્યાં છે, તેમનો સાથ આપવો જરૂરી છે. આ વિસ્તારની દિશા, દશા શું હતી એ દિવસો ના ભૂલવા જોઇએ. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, પહેલા પાણી, રૉડ-રસ્તા, લાઈટની સમસ્યાઓ હતી, નરેન્દ્ર મોદીએ રાજ્યની અનેક સમસ્યાઓ દુર કરી છે, ગુજરાતમાં ખૂનખરાબા થતા હતા એ દિવસો ભુલાય નહીં. અમદાવાદમાં તોફાનો થતા એ દિવસો ભુલાય નહીં. આ તમામ સમસ્યાઓ ભાજપના રાજમાં જ દૂર થઇ છે.
રાજકોટમાં ભાજપ માટે કપરા ચઢાણ બની રહ્યાં છે. પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજની બહેનો માટે કરેલી અભદ્ર ટિપ્પણીના પડઘા હવે પક્ષના જ હોદ્દેદારો અને કાર્યકરો પર પડી રહ્યાં છે. રાજકોટ બેઠક પર હવે ભાજપના નેતાઓ ભાજપ માટે નહીં પરંતુ વિપક્ષ કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે. હાલમાં જ રાજકોટના વિંછિયા તાલુકા પંચાયતના ભાજપ સહ ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટના એવી છે કે, વિંછિયાના ભાજપ સહ ઇન્ચાર્જ નેતા ભૂપત પડાણી અચાનક ભાજપ- પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, ભાજપને બદલે ભૂપત પડાણીએ અચાનક કોંગ્રેસના પરેશ ધાનાણીના પ્રચારમાં જોડાયા હતા, આ ઘટના બાદ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ભૂપત પડાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભૂપત પડાણીને હાલમાં પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક પર ભાજપ માટે હવે કપરાં ચઢાણ બની રહ્યા છે.
હવે કોંગ્રેસે પોતાના સ્ટાર ઇલેક્શન કેમ્પેઇનર અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, આ લિસ્ટમાં કોંગ્રેસી ગુજરાતી નેતાઓને પણ સ્થાન આપ્યુ છે. ગુજરાત લોકસભા બેઠકો પર પ્રચાર કરવા માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે. આ યાદી પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી સ્ટાર પ્રચારક છે. આ ઉપરાંત આ લિસ્ટમાં રાહુલ ગાંધી, મુકુલ વાસનિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક બન્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, સચિન પાયલટ સામેલ છે. કોંગ્રેસના ગુજરાતી નેતાઓમાં મુમતાઝ પટેલ, રઘુ દેસાઈ, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, ભરતસિંહ સોલંકી, કદીર પિરઝાદા, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, લલિત કગથરા, જિજ્ઞેશ મેવાણી અને ગ્યાસુદ્દીન શેખને કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગે વિવાદિત નિવેદનનો મામલે સંકલન સમિતિના સભ્ય ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે, રાજા રજવાડાઓ એ તો આપ્યું છે,કોઈનું છીનવ્યું નથી, પરંતુ અમારો મુદ્દો અત્યારે રૂપાલાના વિરોધનો જ છે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર નિવેદન કર્યું છે,અમારી લડાઈ નારી અસ્મિતાની છે,જે ચાલુ રહેશે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ અંગે નિવેદન આપ્યું છે,જે અગાઉ પણ અનેક લોકો આપી ચૂક્યા છે, ક્ષત્રિય સમાજનો ઉદ્દેશ ગુજરાતની 26 સીટ પર ભાજપના ઉમેદવાર વિરુધ્ધ મતદાન કરાવવું તે જ રહેશે, રૂપાલાના નિવેદન વખતે હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ કેમ ટ્વીટ નહોતા કરતા, ભાજપનો વિરોધ ચાલુ જ રહેશે કારણ કે રૂપાલાએ નારીઓનું અપમાન કર્યું છે.
રાહુલ ગાંધીના નિવેદન પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. ભાજપ રાજપૂતોમાં ભાગલા પડાવવા માગે છે.રૂપાલાને ભાજપ નહિ હટાવીને અહંકાર દાખવે છે. શક્તિસિંહે કહ્યું કે,ભાજપ વિકૃત રીતે વાતોને રજુ કરે છે. દેશના PMએ સંસદમાં રાજાઓનું અપમાન કર્યુ છે. શક્તિસિંહે મોબાઈલમાં વીડિયો પ્લે કરી આરોપ લગાવ્યો છે. ભાજપે ક્ષત્રિય સમાજને તોડવાનો કર્યો પ્રયાસ કર્યો છે. શક્તિસિંહે કહ્યું કે ગુજરાતની બેનોએ રાજા-મહારાજાઓની અસ્મિતાની લડાઈ લડી છે. તમામ સમાજ એક થઈને રાજા-રજવાડાઓની અસ્મિતા માટે લડાઈ લડી રહ્યાં છે. ભાજપને ગામેગામ વિરોધનો સામનો કરવાનો પડી રહ્યો છે.
રાહુલ ગાંધીના નિવેદન પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. ભાજપ રાજપૂતોમાં ભાગલા પડાવવા માગે છે.રૂપાલાને ભાજપ નહિ હટાવીને અહંકાર દાખવે છે. શક્તિસિંહે કહ્યું કે,ભાજપ વિકૃત રીતે વાતોને રજુ કરે છે. દેશના PMએ સંસદમાં રાજાઓનું અપમાન કર્યુ છે. શક્તિસિંહે મોબાઈલમાં વીડિયો પ્લે કરી આરોપ લગાવ્યો છે. ભાજપે ક્ષત્રિય સમાજને તોડવાનો કર્યો પ્રયાસ કર્યો છે. શક્તિસિંહે કહ્યું કે ગુજરાતની બેનોએ રાજા-મહારાજાઓની અસ્મિતાની લડાઈ લડી છે. તમામ સમાજ એક થઈને રાજા-રજવાડાઓની અસ્મિતા માટે લડાઈ લડી રહ્યાં છે. ભાજપને ગામેગામ વિરોધનો સામનો કરવાનો પડી રહ્યો છે.
રાહુલના નિવેદન પર રાજકોટના ક્ષત્રિય સમાજે પ્રતિક્રિયા આપતા કહ્યું કે,અમારો વિરોધ ફક્ત રૂપાલાની સામે છે. જેને ક્ષત્રિય સમાજના મહિલનું અપમાન કર્યું છે. સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. તો નયનાબાએ રાહુલના વીડિયોએ એડિટેડ ગણાવ્યો હતો,સંઘવીએ પોસ્ટ કરેલા વીડિયોને નયનાબાએ એડિટેડ ગણાવ્યો છે અને કહ્યું કે, સંઘવી અને ભાજપ ભરમાવવાનું બંધ કરે છે.
બ્રેકગ્રાઉન્ડ
Lok Sabha Election 2024 Live Updates: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને માહોલ ગરમ છે, રાજ્યમાં રૂપાલા મુદ્દે હજુપણ ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધમાં છે, અને ઠેર ઠેર સભાઓ દરમિયાન હોબાળો કરી રહ્યાં છે. હાલમાં બનાસકાંઠામાં ફરી એકવાર ગેનીબેનના સભામાં ક્ષત્રિય સમાજે ખુલ્લુ કોંગ્રેસને આપ્યુ છે, અને ભાજપની સભાઓ નહીં કરવા દેવાની ચિમકી પણ ઉચ્ચારી છે. રાજ્યમાં તમામ 26 બેઠકો પર આગામી 7મી મેએ એક જ તબક્કામાં મતદાન યોજાવવાનું છે, આ પહેલા તમામ રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ઠેર ઠેર સભાઓ ગજવવાનું શરૂ કર્યુ છે. ગુજરાતમાં ભાજપની સામે ક્ષત્રિય સમાજ ઉગ્રતાથી વિરોધ કરી રહ્યો છે, સાથે સાથે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનો સંકલ્પ પણ લેવડાવાઇ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -