Neha Sharma: દેશભરમાં લોકસભા ચૂંટણીને લઇને માહોલ ગરમ છે, નેતાઓની સાથે સાથે અભિનેતાઓ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યાં છે, ત્યારે હવે આ કડીમાં વધુ એક હૉટ હસીના ચૂંટણી લડી શકે છે તેવા સમાચારોએ જોર પકડ્યુ છે. બૉલીવુડ અભિનેત્રી નેહા શર્મા તેના પિતાના પગલે ચાલીને રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. બિહારના ભાગલપુરના કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્માએ દીકરી નેહાના રાજકારણમાં પ્રવેશના સંકેત આપ્યા છે. અજિત શર્માએ નેહાની આગામી લોકસભા ચૂંટણીમાં લડવા અંગે ખુલીને વાત કરી હતી. આ અંગે નેહાની પ્રતિક્રિયા શું હતી તે પણ જણાવ્યું.


દીકરી નેહા શર્માના ચૂંટણી લડવા અંગે પિતાએ કહી આ વાત  
કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્માએ રવિવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેઓ અને કોંગ્રેસ પાર્ટી બંને ઈચ્છે છે કે નેહા આગામી લોકસભા ચૂંટણી લડે. તેણે કહ્યું, મેં નેહા સાથે આ વિશે વાત કરી હતી, પરંતુ તે વિવિધ કાર્યક્રમો અને શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે. તેણે મને કહ્યું, પાપા, હું આ વખતે ચૂંટણી નહીં લડી શકું. જો તમે કે પાર્ટીએ મને પાંચ-છ મહિના પહેલા કહ્યું હોત તો હું ચોક્કસ ચૂંટણી લડત.


અજીત શર્માએ વધુમાં કહ્યું કે, 'નેહાએ આગામી વખતે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ દરમિયાન, કોંગ્રેસના ધારાસભ્યએ 'પરિવારવાદ' અથવા વંશવાદી રાજકારણ હોવાના કોઈપણ દાવાને નકારી કાઢ્યો. 


ઉલ્લેખનીય છે કે નેહા શર્માએ વર્ષ 2010માં ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'ક્રૂક'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, નેહા ઘણી લોકપ્રિય ફિલ્મોમાં જોવા મળી છે, જેમાં 2013માં રિલીઝ થયેલી 'યમલા પગલા દિવાના 2' અને 2020માં રિલીઝ થયેલી અજય દેવગન સ્ટારર 'તાનાજી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. નેહા સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે, તેના એકલા ઈન્સ્ટાગ્રામ પર 21 મિલિયન ફોલોઅર્સ છે.


 


• ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન


- પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે.


- બીજા તબક્કામાં 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.


- ત્રીજા તબક્કામાં 7મી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.


- ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.


- પાંચમા તબક્કામાં 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.


- છઠ્ઠા તબક્કામાં 25મી મેએ 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.


- સાતમા તબક્કામાં 1 જૂને 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.


- પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.