મુંબઈઃ બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે આજે (30 એપ્રિલ) સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. વિવિધ શારીરિક તકલીફના કારણે તેમને 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.


કેટલા લોકોની હાજરીમાં થશે અંતિમ સંસ્કાર

મળતી માહિતી પ્રમાણે ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર આજે જ કરવામાં આવશે. મુંબઈના મરીન લાઈન્સના ચંદનવાડી વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહમાં તેઓ પંચતત્વમાં વિલીન થશે. દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે તંત્ર દ્વારા અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે એકદમ નજીકના 15 લોકોને મંજૂરી આપી છે.

હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં એકત્ર થયા ચાહકો

ઋષિ કપૂરના નિધનના સમાચાર મળતાં જ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા પરંતુ મુંબઈ પોલીસે તમામને પરત મોકલ્યા હતા.

ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા હાલ દિલ્હીમાં રહે છે. તે સાઉથ ઈસ્ટ દિલ્હીની ફ્રેન્ડ્સ કોલોની ઈસ્ટમાં રહે છે. સાઉથ ઈસ્ટ ડીસીપીના જણાવ્યા મુજબ, દિલ્હી પોલીસે તેને મુંબઈ આવવા માટે મૂવમેંટ પાસ આપી દીધો છે. રિદ્ધી તેના પિતાના અંતિમ દર્શન કરી લે પછી અંતિમ સંસ્કાર કરાશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

Photos: ઋષિ કપૂરની આ તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય