ગાંધીનગરઃ ગુજરાત સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જે મુજબ, હવેથી મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા એટલે કે શહેરી-અર્ધશહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કરવામાં આવ્યું છે. તેથી હવે શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારમાં કોઈ પણ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવશે તો તેને ટ્રાફિક પોલીસ દંડ કરી શકશે નહીં. પરંતુ, હાઈવે પર ટુ-વ્હીલરચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે અને તે નિયમનું પાલન નહીં કરનારને આકરો દંડ પણ કરાશે.


રાજ્ય સરકારના નિર્ણય બાદ બુધવારે રાતે અમદાવાદના કમિશ્નર વિજય નેહરાએ ટ્વિટ કરીને લોકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું,  “હું અમદાવાદના તમામ નાગરિકોને અપીલ કરું છું કે ટુ-વ્હીલર્સ ચલાવતી વખતે હેલ્મેટ પહેરો. યાદ રાખો, નિયમ સરકારનો છે પણ જીવન તમારું છે.”


જો કે, ગુજરાત સરકારની કેબિનેટમાં સ્ટેટ તથા નેશનલ હાઈવે પર વાહન હંકારતા ટુ-વ્હીલરચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો નિયમ ચાલુ રાખ્યો છે. હાઈવે પર વાહનની ગતિ કલાકના 50 કિ.મી.થી પણ વધુ રહેતી હોય છે. આ સંજોગોમાં અકસ્માત થાય તો ટુ-વ્હીલરચાલકને માથામાં ઈજા પહોંચવાનું જોખમ વધી જાય છે. આ સંજોગોમાં હાઈવે પર ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ ચાલુ રખાયો છે. આ નિયમના ઉલ્લંઘન પર દંડની જોગવાઈ પણ ચાલુ રહેશે.

હેલ્મેટને સાચવવા અને તેની જાળવણીમાં ઘણી તકલીફ પડતી હોવાની પણ ટુ-વ્હીલરચાલકોની ઘણા સમયથી ફરિયાદ હતી. અમુક કાનૂની જોગવાઈઓને ટાંકીને પણ ટુ-વ્હીલરચાલકો ઘણા લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા કે, કમસેકમ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમમાં છૂટ આપવામાં આવે.

કર્ણાટકઃ 15 સીટોની પેટા ચૂંટણીનું વોટિંગ શરૂ, ભાજપે સત્તા ટકાવવા 6 સીટ જીતવી જરૂરી