Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ વધુ એક્શન મૉડમાં આવી રહ્યું છે. રાજ્યમા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને રોકવા માટે હવે ખુદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ફરીથી મેદાનમાં આવ્યા છે. હર્ષ હર્ષવી આજે વધુ બે જિલ્લામાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજશે જેમાં રૂપાલા વિરોધને લઇને ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા હર્ષ સંઘવી રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગરમાં બેઠક યોજી ચૂક્યા છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટથી ભાજપમાંથી ઉમેદવારી રદ્દ કરવાની માંગ પર પડ્યો છે, પરંતુ ગઇકાલે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ હોવા છતાં રૂપાલાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી નથી.


રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રૂપાલા વિરૂદ્ધના ક્ષત્રિય આંદોલનના પડઘા હવે સરકારના કાને પડ્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજથી મોટુ નુકસાન ના પહોંચે તે માટે હવે રાજ્ય સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ ક્ષત્રિયોને સમજાવવા મેદાનમાં ઉતર્યા છે. ભાજપને લોકસભા ચૂંટણીમા ગુજરાતમાં મોટુ નુકસાન ના પહોંચે તે માટે હવે ક્ષત્રિય સમાજને સમજાવવાના પ્રયાસો તેજ થયા છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વધુ બે જિલ્લામાં ક્ષત્રિયો સાથે બેઠક યોજશે. આજે બનાસકાંઠા અને આણંદ જિલ્લાના ક્ષત્રિય આગેવાનો હર્ષ સંઘવી બેઠક કરશે. હર્ષ સંઘવી અને ભાજપના સ્થાનિક આગેવાનો વચ્ચે આ બેઠક યોજાશે. આજે સવારે બનાસકાંઠામાં બેઠક યોજાશે અને બપોરે બાદ આણંદ જિલ્લામાં બેઠક થશે. બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ખાસ વાત છે કે, આ પહેલા હર્ષ સંઘવી રાજકોટ, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં બેઠક યોજી ચૂક્યા છે. 


શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.