Gold Prices: સોનાના ભાવમાં થયેલા વિક્રમી વધારા વચ્ચે ઘણા લોકો ખરીદી માટે ભાવમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા હતા. આવા લોકોની રાહ સફળ થઈ છે અને સોનું ખરીદવાની સોનેરી તક બની ગઈ છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં તેની કિંમત હજારો રૂપિયા સુધી ઘટી ગઈ છે.


બીજા સપ્તાહમાં ભાવમાં ઘટાડો
શુક્રવારે MCX પર સોનું 70,677 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સતત બીજું સપ્તાહ બન્યું છે જ્યારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન MCX પર સોનું 809 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું છે. અગાઉ ગત સપ્તાહ દરમિયાન પણ સોનાની કિંમતમાં આશરે રૂ. 1000નો ઘટાડો નોંધાયો હતો. નોંધનિય છે કે, હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે તેથી ભારતમાં સોનાની સારી એવી માંગ રહે છે.


સોનું અત્યાર સુધી રેકોર્ડ સ્તરથી નીચે ગગડ્યું છે
એપ્રિલ મહિનામાં સોનાના ભાવ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા. પીળી ધાતુના ભાવ સતત નવી ઊંચાઈએ પહોંચી રહ્યા હતા. 12 એપ્રિલે સોનું 73,958 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ટોચે પહોંચી ગયું હતું. તે સ્તરની સરખામણીએ, અત્યારે સોનું 3,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું સસ્તું થઈ રહ્યું છે, જે તેને સોનું અને જ્વેલરી ખરીદવા માટે શુભ સમય બનાવી રહ્યું છે.


વૈશ્વિક બજારમાં સોનાના ભાવ
સોનાની કિંમતો માત્ર સ્થાનિક બજારમાં જ નથી ઘટી રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનું સસ્તું થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ સપ્તાહે સોનું લગભગ 48 ડોલર પ્રતિ ઔંસ ઘટીને 2,301 ડોલર થયું હતું. આ આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના પ્રતિ ઔંસ $2,448.80ના રેકોર્ડ ઉચ્ચ સ્તર કરતાં $148 ઓછું છે. કોમેક્સ પર ગોલ્ડ ફ્યૂચર પણ ઘટીને $2,310 પ્રતિ ઔંસ થઈ ગયું છે.


આ હતું રેકોર્ડ ઉછાળાનું કારણ 
સોનાના ભાવમાં ઘટાડો આકસ્મિક નથી. ગત મહિને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે યુદ્ધનો ખતરો વધી ગયો હતો. વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં, રોકાણકારોએ સુરક્ષિત રોકાણ તરીકે સોનું ખરીદવાનું શરૂ કર્યું, જેના કારણે કિંમતમાં રેકોર્ડ વધારો થયો. હાલમાં, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધનો ભય ઓછો થઈ ગયો છે અને હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો માટે સમજૂતી થઈ છે. જેના કારણે સોનાને આપવામાં આવતો ટેકો ખતમ થઈ ગયો છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial