ગાંધીનગર: ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે થયેલી કામગીરી પણ છે. આજે રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે. રાજ્યએ વીજ ઉત્પાદનની કુલ 52,424 મેગાવોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરી છે, જેમાં 50%થી વધુ એટલે કે 25,472 મેગાવોટ પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી આવે છે. માર્ચ 2023ના આંકડા પર નજર નાખીએ તો, ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતા 45,912 મેગાવોટ હતી, જેમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ફાળો 19,435 મેગાવોટ હતો. 2024 સુધીમાં આ ક્ષમતામાં 6,512 મેગાવોટનો વધારો થયો છે, જેમાં 6,036 મેગાવોટ પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી આવે છે. 


રિન્યુએબલ એનર્જી સમિટ 2024માં સમગ્ર વિશ્વ નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં ગુજરાતના મજબૂત નેતૃત્વનું સાક્ષી બન્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ સમિટ ઐતિહાસિક કાર્યક્રમ હતો જેમાં ઊર્જા ક્ષેત્રના વૈશ્વિક આગેવાનો, મંત્રીઓ, મેન્યુફેક્ચરર્સ, નાણાકીય સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓએ નવીનીકરણીય ઊર્જાના ઉકેલો શોધવા અને આ ક્ષેત્રે રોકાણ વધારવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી હતી. પુનઃપ્રાપ્ય ઊર્જાની લાંબા ગાળાની ક્ષમતાનો વિચાર કરીને રાજ્યએ પહેલાંથી જ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ્સમાં ₹43,450 કરોડનું રોકાણ કર્યું છે, જે પરંપરાગત વીજ ઉત્પાદનમાં રોકાણ કરવામાં આવેલા ₹28,864 કરોડ કરતાં વધુ છે.


ગુજરાત સરકારની ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2028 સુધી લંબાવવામાં આવી છે, જે વૃદ્ધિને વધારે વેગ આપશે તેવી અપેક્ષા છે. આ પોલિસી નવીન રિન્યુએબલ એનર્જી ઉકેલોનું સમર્થન કરે છે, જેમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન, ફ્લોટિંગ સોલાર ફાર્મ્સ અને કેનાલ-ટોપ સોલાર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગુજરાત પાસે 1600 કિમી લાંબો દરિયાકિનારો અને પુષ્કળ સૂર્યપ્રકાશ જેવા ભૌગોલિક ફાયદા હોવાના કારણે તે પુનઃપ્રાપ્ય ઊર્જાની મહત્તમ ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે.


ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જાની જરૂરિયાત અને ફાયદાઓને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોમાં 7,130 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ગુજરાતે રિન્યુએબલ એનર્જીમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે મોઢેરા સોલાર વિલેજ, જે ભારતનું પ્રથમ સંપૂર્ણ સૌર-સંચાલિત ગામ છે. મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરા ગામને 6 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ દ્વારા વીજળી મળે છે, જે 15 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમથી જોડાયેલ છે. તે પાવર આઉટેજ દરમ્યાન પણ 24 કલાક વીજળીની સુવિધા સુનિશ્ચિત કરે છે.


સમગ્ર મોઢેરામાં 1,300થી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે આ ગામ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. ગુજરાતે આ પ્રોજેક્ટ દ્વારા એ દર્શાવ્યું છે કે કેવી રીતે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. નોંધનીય વાત એ છે કે, રહેવાસીઓના વીજ ખર્ચમાં 60% સુધીનો ઘટાડો થયો છે અને ઘણાં લોકો હવે વધારાની ઊર્જા પાછી ગ્રીડમાં વેચીને વધારાની આવક મેળવી રહ્યા છે.


ગુજરાતે 500 મેગાવોટની ક્ષમતા ધરાવતા ભારતના સૌથી મોટા સોલાર પાર્ક્સ પૈકીના એક- ચારણકા સોલાર પાર્કનું નિર્માણ કર્યું છે. આજે આ સોલાર પાર્ક 749 મેગાવોટ વીજળી પેદા કરે છે અને તેમાં ઘણાં નાના-મોટા સોલાર પ્લાન્ટ્સ આવેલા છે. આ પાર્કે ગુજરાતના ગ્રીડમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવાની સાથે રોજગારીનું સર્જન કર્યું છે અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપ્યો છે. ગુજરાત પીપાવાવ નજીક ભારતનો પ્રથમ ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ સ્થાપવાની યોજના ધરાવે છે, જેની ક્ષમતા અંદાજિત 2 GW હશે. 


ગુજરાતની પુન:પ્રાપ્ય ઊર્જાની પહેલોનો મુખ્ય ફાયદો એ છે કે, પર્યાવરણ પર તેની સકારાત્મક અસર થાય છે. માત્ર મોઢેરા સોલાર વિલેજ દ્વારા જ વાર્ષિક લગભગ 6,000 ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનનો ઘટાડો થાય છે. તો ચારણકા સોલાર પાર્ક વાર્ષિક 80 લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડે છે. ભારતની રિન્યુએબલ એનર્જી ક્રાંતિમાં અગ્રેસર બનેલું ગુજરાત સ્વચ્છ ઊર્જા અપનાવવા બાબતે વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. 


આ પણ વાંચો...


'દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી' -અતિવૃષ્ટિ અને માવઠાથી પાકો ધોવાયા પરંતુ વળતર મુદ્દે ઠાગા ઠૈયાઃ કોંગ્રેસ