વારાણસી કોર્ટના આદેશ મુજબ હાલમાં જ જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી પુર્ણ થઈ છે. આ સર્વેમાં એક શિવલિંગ મળ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 14 થી 16 મે સુધી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવા મુદ્દે ગુજરાતના AIMIM નેતા દાનિશ કુરેશીએ ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ કરતાં મામલો ગરમાયો છે.


દાનિશ કુરેશીની વિવાદાસ્પદ પોસ્ટઃ
દાનિશ કુરેશી આજે જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે સવાલ પુછતી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં દાનિશ કુરેશીએ શિવલિંગના ઘાટ વિશે પ્રશ્ન પુછ્યો હતો. આ અશ્લિલ પોસ્ટ સામે આવ્યા બાદ હિંદુ સંત સમાજે દાનિશ કુરેશીની ઘોર નિંદા કરી હતી. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જ્યોતિર્નાથ મહારાજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી આ વાત પહોંચાડીને દાનિશ કુરેશી સામે કાર્યવાહી કરવાની તૈયારી બતાવી હતી. આ પોસ્ટને લઈ હિંદુ સંત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. 


આજે સુપ્રિમ કોર્ટમાં થઈ સુનાવણીઃ
જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે સુપ્રિમ કોર્ટમાં મહત્વની સુનાવણી કરાઈ હતી. ત્યાર બાદ અદાલતે આદેશ આપ્યો કે, મસ્જિદમાં સર્વે દરમિયાન જે જગ્યાએ શિવલિંગ મળ્યું હોવાની વાત કરાઈ રહી છે એ જગ્યાની સુરક્ષા કરવી જોઈએ. કોર્ટે આ સંબંધે વારાણસીના જિલ્લા અધિકારીઓને આદેશ આપ્યો છે.


સાથે જ સુપ્રિમ કોર્ટે કહ્યું કે, મુસ્લિમ લોકો કોઈ પણ પ્રકારના અવરોધ વગર મસ્જિદમાં નમાજ અદા કરવા માટે જઈ શકે છે. આ સાથે કોર્ટે અરજીકર્તા હિંદુ શ્રદ્ધાળુઓને નોટીસ આપી હતી. હવે મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણ કરવા માટે 19 મેની તારીખ નક્કી કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ


IPL 2022: અલગ થશે ધોની અને જાડેજાની જોડી? CSK મેનેજમેન્ટની આ ભૂલથી ટીમમાં ફૂટ પડી!


પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયા અચાનક સીઆર પાટીલને મળવા પહોંચતા રાજકારણ ગરમાયું