Ambalal Patel Rain Forecast: ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં વરસાદી માહોલ જોવા મળશે એવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. આ અંગેની વિગતવાર માહિતી આપતાં હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં વરસાદની વિશેષ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
22 સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમની અસર વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
28 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની સંભાવના છે, જે વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. જો આવું થશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા છે.
નવરાત્રી દરમિયાન પણ નવી સિસ્ટમ બનવાની સંભાવના છે, જે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ લાવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
શરદ પૂનમ પછી પણ રાજ્યમાં વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. લા નીનોની અસરને કારણે 27 ઓક્ટોબરથી ઠંડીની શરૂઆત થવાની સંભાવના છે, જે 3 ડિસેમ્બર બાદ વધુ તીવ્ર બનશે. 22 ડિસેમ્બર પછી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય રહી અને તે પછી સિસ્ટમ બની. નવી રચાયેલી ડીપ લો પ્રેશર સિસ્ટમ હાલમાં ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે ભારતના ઉત્તર અને મધ્ય રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જો કે હાલમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો કોઈ ખતરો નથી, પરંતુ 22 અને 23ની આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદમાં થોડો વધારો થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ
વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી