Amreli Lok Sabha News: અમરેલી ભાજપમાં ભડકા જેવી સ્થિતિ પેદા થઇ છે, રાજ્યમાં પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને વિજાપુર બાદ હવે અમરેલી ભાજપમાં કકળાટ શરૂ થયો છે, ભાજપના કાર્યકરો અને નેતાઓ ભરત સુતરિયાના લોકસભાની ટિકીટ આપતા નારાજ હોવાનું દેખાઇ રહ્યું છે. આ કડીમાં હવે ભાજપના મોટા નેતા ભરત કાનાબારે નારાજગી દર્શાવતી પૉસ્ટ શેર કરી છે, આ પૉસ્ટથી કોના પર નિશાન સાધવામા આવ્યુ છે, તે ખબર નથી પડતી પરંતુ બેઠક પર રાજકારણ વધુ ગરમાયુ છે. 


અમરેલી લોકસભા બેઠક પર ભાજપ ચર્ચા અને મંથન કર્યા બાદ આખરે ભરત સુતરિયાને ટિકીટ આપી હતી, ભાજપે સીનિયર નેતાઓને કાપીને નવા નેતા ભરત સુતરિયાને ટિકીટ આપી છે, આ વાતને લઇને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભડકો થયો છે. તાજેતરમાં જ અમરેલી ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબારની સોશ્યલ મીડિયામાં પૉસ્ટ વાયરલ થઇ છે. ભરત કાનાબારે રાજકારણમાં જાતિવાદ અંગે પોસ્ટ કરી છે, જાતિવાદના આધારે ટિકિટ ફાળવાતી હોવાનો આ પોસ્ટમાં કાનાબારે ઉલ્લેખ કર્યો છે. કાનાબારે ક્યાં પક્ષની વાત કરી તેની પોસ્ટમાં ચોખવટ નથી. જાતિવાદથી ફાળવાતી ટિકિટમાં લાયક ઉમેદવારને અન્યાય થતો હોવાની આ પોસ્ટમાં લાગણી છે. 



અમરેલી ભાજપમાં જોરદાર ટિકીટ કકળાટ શરૂ થયો છે. ભરત કાનાબારે સોશલ મીડિયા પર પૉસ્ટ કરીને બળાપો ઠાલવ્યો છે. 'રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ', 'પક્ષ પ્રત્યેની નિષ્ઠા, વફાદારીની વાતો પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ' હોવાની વાત કહી છે. કાનાબારે કહ્યું કે, જ્ઞાતિવાદ-જાતિવાદનો બૉમ્બ સૌથી વધુ ભયજનક છે. જે મેરીટ ગુણવત્તાના ફૂરચા ઉડાડી દે છે.


સાબરકાંઠામાં ઉમેદવાર નહીં બદલાય, CM સાથેની બેઠકમાં સ્પષ્ટ થઇ સ્થિતિ, તમામને અપાઇ આ સૂચનાઓ


સાબરકાંઠામાં ભડકો વધી રહ્યો છે, ગઇકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરકાંઠાની મુલાકાત લીધી છે, અને વન ટૂ વન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. હવે આ મુદ્દે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બેઠક કરી છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને લોકસભા બેઠકની ટિકીટ આપી હતી, જોકે, અટકને લઇને વિવાદ થતાં બાદમાં ઉમેદવાર બદલીને શોભના બારૈયાને ટિકીટ આપી હતી. બેઠક પર બે વાર ઉમેદવારો બદલાયા છતાં વિવાદ શમતો નહતો, જેને લઇને હવે સીએમ પટેલ એક્શનમાં આવ્યા અને આજે ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને પક્ષના તમામ નેતાઓ, ધારાસભ્યો અને આગવાનોને બોલાવીને બેઠક કરી હતી, જેમાં સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી હતી કે, સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાશે નહીં, પક્ષના તમામ કાર્યકર્તાઓને સાથે મળીને એકજૂથ થઇને કામ કરવાનું છે. 


આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને સાબરકાંઠા બેઠક પર ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં સીએમ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યાં હતા. સુત્રો તરફથી આ બેઠકને લઇને માહિતી સામે આવી છે કે, સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર નહીં બદલાય. બેઠકમાં તમામને એકજૂથ થઈ ભાજપ માટે કામ કરવા સૂચના અપાઈ છે. પક્ષ અને ઉમેદવાર વિરૂદ્ધના કાર્યક્રમ બંધ કરવાની સૂચના અપાઇ છે. પક્ષ અને ઉમેદવાર વિરૂદ્ધ નિવેદનો નહીં આપવાની પણ સૂચના અપાઇ છે. 


સુત્રો અનુસાર, ઠાકોર, આદિવાસી નેતાઓને સક્રિયતા વધારવા સૂચના અપાઇ છે, વિવાદાસ્પદ નિવેદનોથી દુર રહેવાની અપાઈ સૂચના અપાઇ છે. આ ઉપરાંત વિવાદોથી દુર રહેવા રમણભાઈ વોરાને સૂચના અપાઈ છે. હર્ષ સંઘવીએ કરેલી મુલાકાતની પણ સમીક્ષા કરાઇ છે. રમીલાબેન,કોટવાલને આદિવાસી સમાજમાં સક્રિય થવાની સૂચના અપાઇ છે. આ બેઠકમાં વી.ડી.ઝાલા, રમણ વોરાને કાર્યકર્તા સાથે સારા વ્યવહારની સૂચના અપાઇ છે. પક્ષ વિરોધી પડદા પાછળની રમત બંધ કરવાની સૂચના અપાઇ છે. ખાસ વાત છે કે, અરવલ્લી અને સાબરકાંઠામાં વિરોધ ખાળવા તમામને સ્પષ્ટ અને કડક સૂચના અપાઇ છે. ભીખાજી ઠાકોરના ગ્રુપને વિરોધ બંધ સૂચના અપાઇ છે. નેતાઓ, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવા સૂચના અપાઇ છે. સાંસદ, ધારાસભ્યોને સંગઠન સાથે સંકલન વધારવા સૂચના અપાઇ છે. 


આ બેઠકમાં પ્રદેશ જિલ્લા સંગઠનના નેતાઓ, જનપ્રતિનિધિઓ, સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, MLA રમણ વોરા, વી.ડી. ઝાલા, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, કલસ્ટર પ્રભારી બાબુ જેબલિયા, પૂર્વ MLA હિતુ કનોડીયા, અશ્વિન કોટવાલ, સાંસદ દિપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહને પણ બોલાવાયા હતા.