ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પેપરલીક થઈ જવાના કારણે  થોડા દિવસો પહેલા રદ કરી દેવામાં આવી હતી. આ મુદ્દે આજે મયંકસિંહ ચાવડા, રેંજ આઈજી, ગાંધીનગરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતાં જણાવ્યું કે,  આ મામલે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દાણીલીમડાની સ્કૂલમાંથી પેપર ફૂટ્યું હતું.


આ રીતે લીક કર્યું પેપર

વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા પેપરલીક કરવામાં આવ્યું હતું. દાણીલીમડાની એક સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની આમાં સંડોવણી હતી. સ્કૂલ સંચાલકો દ્વારા આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સ્કૂલ સામે તપાસ ચાલુ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા ફખરુદ્દીન નામના શખ્સે પેપરના ફોટોઝ પાડ્યા હતા. જ્યારે લખવિંદર સિંહ નામનો આરોપી કોંગ્રેસનો કાર્યકર છે.

આરોપીના નામ-સરનામાની વિગત

  1. પ્રવીણદાન શિવદાન ગઢવી, રહે. સાઇનસુપર, વંદેમાતરમ, ગોતા, અમદાવાદ. (જે પંચાસર ગામ, તા. સંખેશ્વર ખાતે તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરે છે, વોન્ટેડ)

  2. મહમદ ફારૂક અબ્દુલ વહાબ કુરેશી. રહે. ચિરાગપાર્ક, નારોલ રોડ, દાણીલીમડા, અમદાવાદ (ભરતી પ્રક્રિયા દરમિયાન એમ.એસ.સ્કૂલના સ્થળ સંચાલક તરીકે નિમણૂંક હતી.)

  3. વિજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા. રહે. બી-3/96, નવી રાયખડ પોલીસ લાઇન, અમદાવાદ (એમ.એસ.સ્કૂલના આચાર્ય)

  4. ફરરુદ્દીન હૈદરભાઈ ઘડિયાળી, રહે. બી-1, 203 બુરહાની પાર્ક, કેનાલ રોડ, વટવા, અમદાવાદ (એમ.એસ.સ્કૂલના શિક્ષક, ભરતી પ્રક્રિયા દરમિયાન એમ.એસ.સ્કુલમાં સુપરવાઇઝર તરીકે નિમણૂક)

  5. દિપકભાઈ પીરાભાઈ ઉર્ફે પરેશભાઈ રાજાભાઈ જોષી. રહે. દુલારી એપાર્ટમેન્ટ, બીજો માળ, કરમસદ, આણંદ

  6. લખવીરદરસિંહ ગુરનામસિંહ સીધુ, રહે. ઈ-108, એએમટીએસ સ્ટાફ ક્વાટર્સ, જમાલપુર દરવાજા બહાર, બહેરામપુરા, અમદાવાદ

  7. રામભાઈ નરેશભાઈ ગઢવી, રહે. પાલીતાણા, અખાડા વિસ્તાર, ચારણનિવાસી, ભાવનગર


બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટી ગયાના આક્ષેપો થયા બાદ રાજ્યના પાંચ જિલ્લામાંથી ગેરરીતિની કુલ 39 ફરિયાદ આવી હતી. પરીક્ષાર્થીઓના આગેવાનોએ રાજ્ય સરકારને તપાસ માટે 10 મોબાઈલ ફોન પણ આપ્યા હતા. આ તમામ મોબાઈલમાં પરીક્ષાનું પેપર ફૂટ્યાના તેમજ ચાલુ પરીક્ષામાં ગેરરીતિઓ થતી હોવાના પૂરાવા એકત્ર કરાયા હતા. SIT દ્વારા આ તમામ ફરિયાદો અંગે તપાસ કરવામાં આવી હતી અને અંતે રાજ્ય સરકારને પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ હતી.

5 હજારથી વધુ પરીક્ષાર્થીએ દેખાવો કર્યા હતા

આ પેપર ફૂટ્યાનું ફલિત થતાં જ રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ 4 ડિસેમ્બરથી ગાંધીનગરમાં એકત્ર થવા લાગ્યા હતા. પહેલા દિવસે તેમની પર લાઠીચાર્જ કરાયો હતો અને તેમના આગેવાન યુવરાજસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજા સહિતનાને અટકમાં લેવાયા હતા. જો કે, 5 ડિસેમ્બરથી તો રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગાંધીનગર એકત્ર થવા લાગ્યા હતા અને રાત્રે કડકડતી ઠંડીમાં પણ સચિવાલય પાસે બેસી રહીને વિરોધ દર્શાવ્યો હતો. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા રદ કરવાની એક જ માગણી વારંવાર દોહરાવતા રાજ્ય સરકાર પર દબાણ આવ્યું હતું.

કયારે શું બન્યું

- 17 નવેમ્બરના રોજ પરીક્ષા શરૂ થતાં જ ગેરરીતિઓના વિડિયો વાયરલ

- 18 નવેમ્બરે કોઈ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનો સરકારે દાવો કર્યો.

- 22 નવેમ્બરે ઉમેદવારોએ ગેરરીતિ મામલે ગૌણ સેવા પસંદગી મંડળમાં રજૂઆતો કરી

- 29 નવેમ્બરે કોંગ્રેસે સામુહિક ચોરીઓના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા

- 2 ડિસેમ્બરે પંસદગી મંડળે રજૂઆતો સાંભળવાનું જ બંધ કરી દીધું.

- 3 ડિસેમ્બરે પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું

- 4 ડિસેમ્બરે પુરવા છતાં સરકારે પેપર લીક થયું હોવાનો ઈન્કાર કર્યો

- 14 ડિસેમ્બરે FSLએ એક કલાક પહેલા પેપર લીક થયું હોવાનું સ્વિકાર્યું.

- 16 ડિસેમ્બરે એટલે કે મહિના પછી સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો

- 25 ડિસેમ્બરે છ શખ્સોની ધરપકડ કરવામાં આવી

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ આપી બોલિંગ કોચને ગાળ, મળી આ સજા, જાણો વિગત

રાજકોટઃ ઇકો કારે બે બાઇકને લીધા એડફેટે, એકનું મોત, જાણો વિગતે