અપરાધની ભરતી
દાણચોરો મોટા ભાગે દાણચોરીનું લેન્ડીંગ અમાસ આસપાસ રાત્રે કરતા હોય છે. આ રાત્રિએ દરિયામાં ભરતી હોય અને ચંદ્રનું અજવાળુ ન હોય. હિન્દુ પંચાગ મુજબ દિવસોની ગણતરી સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે થતી હોય છે. મહિનાને પંદર પંદર દિવસના બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. પહેલા પંદર દિવસ શુકલ પક્ષ (સુદ) અને બીજા પંદર દિવસ કૃષ્ણ પક્ષ (વદ) તરીકે ઓળખાય છે. પહેલા પંદર દિવસ શુકલ પક્ષ હોય છે અને પંદરમાં દિવસે પૂનમ આવે છે જયારે બીજાને કૃષ્ણ પક્ષ કહેવાય અને પંદરમાં દિવસે અમાસ આવે છે. અમાસ આસપાસના દિવસોમાં દરિયામાં ભરતી હોય અને ચંદ્રનુ અજવાળુ ન હોય એટલે અમાસ આસપાસ દાણચોરો રાત્રિના સમયે દાણચોરીનો સામાન ઉતારતા હોય છે. દાણચોરો મોટાભાગે બીજા પહોર એટલે કે બાર વાગ્યા પછીથી ત્રીજા પહોર સુધીમાં પોતાનું કામ પૂર્ણ થઈ જાય તે મુજબનું આયોજન કરતા હોય છે.જહાજોમાં આફ્રિકા અને આરબ દેશથી ખજૂર સહિતની ખાધ્ય સામગ્રી વચ્ચે પોતાની દાણચોરીનો માલ છૂપાવીને મધ દરિયેથી નાના હોડકા મારફતે દાણચોરો લેન્ડીંગ પોઈન્ટ સુધી પહોંચાડે છે.
દાણચોરીથી નારાજ નારણ મેપા
દીવના દાણચોરીના કેસમાં નારણ સુધા પોસ્તરીયાનુ નામ સામે આવતા નારણ મેપા લોઢારી નારાજ થાય છે. નાના-મોટા ગુના કરનાર અને દાણચોરીના વિરોધી એવા નારણ મેપાને નારણ સુધા દાણચોરીની મોટી ખેપ કરવાના મૂડમાં હોવા અંગેની જાણ થતાં તેને બોલાવી ઠપકો આપે છે.પોતે આપેલા ઠપકાથી નારણ સુધા સુધરી જશે તેમ નારણ મેપા માની લે છે. જોકે દાણચોરીની ખેપ કરી ચૂકેલા અને કોફેપોસાના કેસમાં જેલની હવા ખાઈ ચૂકેલા નારણ સુધાના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યુ છે.તે દાણચોરીની મોટી ખેપ કરી સારી કમાણી કરવાના મૂડમાં છે. આ જાણ નારણ મેપાને થતા બંને વચ્ચે ઝઘડા શરુ થાય છે. સામાન્ય બોલાચાલી હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગે છે, પરિણામે એક દિવસ નારણ સુધા પોસ્તરીયા નારણ મેપા લોઢારીથી અલગ પડી પોતાની નવી ગેંગ બનાવે છે.
ટિકિટની કાળાબજારીથી કાળી કમાણી
નારણ મેપા લોઢારી અને તેની ગેંગ ખારવાવાડ વિસ્તારમાં ફેલાયેલી હતી. એ સમયે ગુનેગારોની આવકના મુખ્ય સાધનોમાં દેશી દારુનુ વેચાણ કરવું અને શહેરના સિનેમા ગૃહોમાં ફિલ્મોની ટિકિટોની કાળાબજારી કરવી હતી. નારણ મેપાના સાગરીતો શહેરની ટોકીઝમાં ટિકિટની કાળાબજારી કરતા અને જે કમાણી થતી તેનો થોડો હિસ્સો નારણ મેપાને હપ્તા તરીકે આપતા. 1960 થી 1970ના દાયકામાં અનેક હિન્દી ફિલ્મો તેની સ્ટોરી અને ગીતના કારણે સુપરહીટ સાબિત થઈ હતી. 'દિલ અપના ઓર પ્રિત પરાઈ', 'મુગલે આઝમ', 'જીસ દેશ મેં ગંગા બહતી હૈ', 'ચૌદહવી કા ચાંદ', 'કોહીનૂર' જેવી અનેક ફિલ્મો સુપર-ડુપર હીટ ગઈ હતી. તે સમયે મનોરંજન માટે લોકો ટોકીઝમાં ફિલ્મો જોવાનુ પસંદ કરતા. ફિલ્મમાં અપર,મિડલ અને બાલ્કની તેમજ બોકસમાં ફિલ્મ જોવાનો એક અલગ જ રુઆબ જોવા મળતો. નારણ મેપાની ગેંગના સભ્યો હરીશ,ડ્રીમલેન્ડ સહિતની ટોકીઝોમાં ટિકિટના કાળાબજાર કરતા હતા.આ કાળી કમાણીમાં નારણ સુધાએ ભાગ પાડવાનુ શરુ કરતા બંને વચ્ચે દુશ્મનાવટ વધવા લાગી.
બંદર પર બે ગેંગ સક્રિય
નારણ મેપા લોઢારીથી અલગ પડેલા નારણ સુધા પોસ્તરીયાએ બંદર ઉપર પોતાનો સિક્કો જમાવવા ખારવાવાડના જશુ ગગન તેનો ભાઈ હીરાલાલ શિયાળ ઉર્ફે હીકુ ગગન સહિતના ખારવા લોકોને પોતાની ગેંગમાં સામેલ કરે છે. બીજી તરફ નારણ મેપા પોતાની ગેંગમાં લાલજી પાંજરી અને ભીખુ દાઢીને સાથે રાખી પોતાનું વર્ચસ્વ જમાવી રાખે છે. નારણ મેપાના તમામ પ્રકારના નાણાકીય વહીવટો ભીખુ દાઢી સંભાળતો. એક ગેંગમાંથી હવે શહેરના બંદર પર બે ગેંગ સક્રિય થાય છે. અહીંથી શરુ થાય છે બંદર પર વર્ચસ્વની હરિફાઈ. બંદર વિસ્તારમાં વર્ચસ્વ સાથે શહેરની ટોકીઝોમાં ટિકિટની કાળાબજારીમાં બંને ગેંગ ઉપરાંત મેમણવાડાની સરમણ મુંજાની મેર ગેંગના માણસો પણ સક્રિય થાય છે. શહેરમાં અનેક વખત ખારવા અને મેર ગેંગ વચ્ચે મારામારીના બનાવો વધવા લાગે છે.કિર્તીમંદીર પોલીસ સ્ટેશનના ચોપડે બંને ગેંગના સાગરીતોની ગુનાખોરીનો ગ્રાફ વધતા શહેરની શાંતિ ડહોળાવા લાગે છે.
નારણ મેપાનું વર્ચસ્વ તોડવા નારણ સુધાએ ગેંગમાં ભરતી કરી
નારણ મેપા અને નારણ સુધા વચ્ચે શરુ થયેલો આ ખટરાગ હત્યામાં પરિવર્તીત થાય છે. જે શહેરમાં લોહીયાળ ઈતિહાસની શરુઆત કરે છે. બંદર પર નારણ મેપાનું વર્ચસ્વ તોડવા નારણ સુઘા ખારવાવાડના જશુ ગગન, હીરાલાલ શિયાળ ઉર્ફે હીકુ ગગન, ગોવિંદ તોરણીયા ઉર્ફે ગોવિંદ ટી.ટી,કાળીયો બાલી જેવા લોકોને આગળ કરે છે. જ્યારે નારણ મેપા લાલજી પાંજરી અને ભીખુ દાઢીના સહારે પોતાનુ વર્ચસ્વ જાળવી રાખે છે. નારણ મેપાને હવે પોતાના જ ખારવા ભાઈ નારણ સુધા આંખના કણાની જેમ ખૂંચવા લાગે છે. નારણ મેપાની હત્યા કરવા માટે નારણ સુધા અને તેના સાગરીતો તક શોધી રહ્યા છે. નારણ મેપાને મારવાના અનેક પ્રયાસો કરવા છતા સફળતા મળતી નથી.
ડોનના ભાઈની હત્યાથી શહેરમાં ચકચાર
નારણ મેપાના ભાઈ બાબલની ખારવાવાડમાં ધોળાદિવસે હત્યાથી શહેરમાં ચકચાર મચી જાય છે. બંદર રોડ઼ પર આવેલો ચોક પાલાના ચોક તરીકે ઓળખાય છે. અહીં ગોવિંદ રત્ના માલમ નામના ખારવાની ચાની દુકાન હતી. ગોવિંદની ચાની દુકાન શહેરમાં ખૂબ જ પ્રખ્યાત હતી. ચાના વ્યસની શહેરથી બંદર ચોકમાં તેની ચા પીવા આવતા. ચાની દુકાન ચલાવતા ગોવિંદનો ભાઈ ભીખુ માલમ ખારવાવાડમાં નારણ મેપાની ગેંગમાં કામ કરતો. ભીખુ પાસે ટ્રક હતો તે નારણ મેપાના નારણ ટ્રાન્સપોર્ટમાં ચાલતો.
ભીખુ અને બાબલ વચ્ચે ટ્રાન્સપોર્ટના ધંધાને લઈને બોલાચાલી થાય છે. ભીખુ માલમ ક્રોધમાં આવી પાલાના ચોકમાં નારણ મેપાના ભાઈ બાબલને છરીના ઘા મારી તેની હત્યા કરે છે. ખારવાવાડમાં ડોન નારણ મેપાના ભાઈની હત્યાથી શહેરમાં ચકચાર મચી જાય છે.
(ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-7માં આપણે વાંચીશુ ખારવાવાડની એ હત્યા જેણે જશુ ગગન શિયાળને બનાવ્યો ડોન)
એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)
ગેંગ્સ ઓફ પોરબંદર પાર્ટ 2 : ગાંધીજીની જન્મભૂમિ કઈ રીતે બની હિંસાનું કેંદ્ર
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-4: દાણચોરીનો દરિયો પોરબંદર