Gujarat Congress 2024: ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ચૂંટણી મેદાનમાં જંગ જામ્યો છે, ગઇકાલે ભાજપ અને કોંગ્રેસના કેટલાય ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરી દીધા છે, મનસુખ માંડવિયાથી લઇને ગેનીબેન ઠાકોર સુધીના ચર્ચિત ઉમેદવારોએ ગઇકાલે જ ઉમેદવારી પત્રક ભરી દીધા છે. હવે આજે કોંગ્રેસના કેટલાક દિગ્ગજો ઉમેદવારી પત્રક ભરવા માટે નીકળશે. આજે તુષાર ચૌધરીથી લઇને જેની ઠુમ્મર સુધીના નેતાઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી યોજીને ઉમેદવારી પત્રક ભરવા પહોંચશે. 


લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતની તમામ 26 બેઠકો પર જબરદસ્ત રોચક જંગ જામ્યો છે. આજે ભાજપની સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચશે. આજે સાબરકાંઠા બેઠક પરથી તુષાર ચૌધરી ઉમેદવારી પત્રક ભરશે. કચ્છ બેઠક પરથી નિતેશ લાલન ઉમેદવારી પત્રક ભરશે. અમદાવાદ પશ્ચિમથી ભરત મકવામા ઉમેદવારી પત્રક ભરશે. અમરેલીથી જેનીબેન ઠુમ્મર ઉમેદવારી પત્રક ભરશે. આ ઉપરાંત છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા ઉમેદવારી પત્રક ભરવા નીકળશે, વલસાડથી અનંત પટેલ ઉમેદવારી પત્રક ભરશે. પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ ઉમેદવારી પત્રક ભરશે. પોરબંદરથી લલિત વસોયા ઉમેદવારી પત્રક ભરશે. પાટણથી ચંદનજી ઠાકોર પણ આજે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે. આ તમામ નેતાઓ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભરવા નીકળશે. 


ક્ષત્રિય સમાજના આંદોલનને લઇને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શું આપી પ્રતિક્રિયા?


ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપના સંકલ્પ પત્રની જાણકારી આપી હતી.  નોંધનીય છે કે ભાજપે ગઈકાલે જ સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. 70 વર્ષથી વધુના તમામને આયુષ્માન ભારતમાં સામેલ કરવાનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરાયો છે. પત્રકાર પરિષદ દરમિયાન ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી હતી. પાટીલે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે અમે સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ સંપર્કમાં છે. હું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજ સાથે વાત ચાલી રહી છે. વિવાદનો સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસ છે. પાટીલે કહ્યું હતું કે કૉંગ્રેસે તેના વચનો ક્યારેય પૂર્ણ કર્યા નથી. ભાજપે તમામ વચનોને પૂર્ણ કર્યા છે. કાર્યો પૂરા કરવાનું અમારૂ સંકલ્પ પત્ર છે. અમે વચન નથી આપતા, ગેરન્ટી આપીએ છીએ. વન નેશન, વન ઈલેક્શનને લઇને પાટીલે કહ્યું હતું કે વન નેશન, વન ઈલેક્શન માટે PM ખૂબ જ ગંભીર છે. PMએ આંકડાકીય રીતે પણ તમામ માહિતી મેળવી છે. એક કમિટી બનાવીને ચૂંટણી પંચને એક અહેવાલ પણ આપી દીધો છે. સંકલ્પ પત્રમાં આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યુ?


પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વારસાનો વૈભવ જાળવી રાખવાની મોદીની ગેરન્ટી છે. ભાજપ વિકાસ નક્કર કાર્યો કરનારી પાર્ટી છે. ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે. સંકલ્પ પત્ર વધુ જનતા માટે ગેરન્ટી કાર્ડ સમાન છે. પ્રજાની સેવાની ગેરન્ટીનું આ સંકલ્પ પત્ર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનને ગુજરાત અને દેશના આશીર્વાદ મળી રહ્યા છે. PMની વિકાસની રાજનીતિ પર જનતાને વિશ્વાસ છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનું કમળ ખીલશે. મોદી સરકાર સમાજના દરેક વર્ગને સાથે રાખી ચાલે છે. દેશની 80 કરોડ જનતાને વિનામૂલ્યે અનાજ આપ્યું છે. આગામી વર્ષમાં હજુ ત્રણ કરોડ લોકોને ઘરનું ઘર મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે નારી શક્તિ વંદના અધિનિયમથી મહિલાઓને અનામત મળ્યું છે.ભાજપ રાષ્ટ્ર પ્રથમના સૂત્રથી ચાલતી પાર્ટી છે. ગરીબ, યુવાશક્તિ,ખેડૂત અને મહિલાશક્તિને ખાસ મહત્વ આપે છે. મોદીની ગેરન્ટી એટલે સંકલ્પથી સિદ્ધી છે. મોદીની ગેરન્ટી એટલે ગેરન્ટી પુરી થવાની ગેરન્ટી છે. ગરીબના કલ્યાણ માટેનું સંકલ્પ પત્ર છે.