Kshatriya Dharmrath 2024: ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજ ભાજપના રૂપાલા સામે વિરોધ કરી રહ્યો છે, ક્ષત્રિય સમાજની માંગણી હતી કે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરવામાં આવે, પરંતુ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ હોવા છતાં રૂપાલાએ ઉમેદવારી પાછી ખેંચી નહીં, હવે આ મુદ્દાને આગળ સુધી લઇ જવા માટે ક્ષત્રિય સમાજે ગુજરાતભરમાં ધર્મરથ
યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં ભાજપે ક્ષત્રિયોને સમજાવવા માટે પ્રયાસો તેજ કર્યા છે, અને ગૃહમંત્રીથી લઇને ભાજપના મોટા મોટા નેતાઓ મેદાનમાં ઉતર્યા છે.  


ક્ષત્રિય સમાજે રાજ્યમાં પોતાના ક્ષત્રિય આંદોલનનો ભાગ 2 શરૂ કર્યો છે, ગઇકાલથી માતાના મઢ ખાતેથી ધજા ચઢાવીને ભાજપ વિરોધ શરૂ કર્યો છે. રાજ્યમાં ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજને સમજાવવાના ભાજપના પ્રયાસ તેજ થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજી ભાજપ વતી કરી આ મુદ્દે સમાધાન કરવા ખુબ પ્રયાસો કરી રહ્યાં છે. ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે 10થી વધુ વાર બેઠકો થઇ ચૂકી છે. ક્ષત્રિય સમાજની લાગણીનો આદર કરવાની સૂચના અપાય છે. સમાજની લાગણી વ્યકત કરતા સમયે ઘર્ષણ ના થાય તેની સૂચના પણ અપાઇ છે. ક્ષત્રિયોની સમજાવટ માટે કરાયેલા પ્રયાસની જાણકારી પણ અપાય છે. ક્ષત્રિયો અને ભાજપ સિક્કાની બે બાજુ હોવાની જાણકારી અપાય છે. કોઈપણ પ્રકારનો વર્ગવિગ્રહ ન થાય તે માટેની પણ સૂચના અપાય છે. માફી માગવા હંમેશા તૈયાર હોવાની પણ જાણકારી અપાય છે.


રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ પર પહેલીવાર બોલ્યા અમિત શાહ, કહ્યું -'ત્રણવાર માફી માંગી લીધી છે ને હવે.......'


લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજ- ઠાકુર સમાજની ભાજપ પ્રત્યે નારાજગી કોઈનાથી છુપી નથી. ઘણા રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે ગુજરાતમાંથી શરૂ થયેલી આ અટકળો હવે મધ્યપ્રદેશ અને પશ્ચિમ યુપીમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. જાણકારોનું કહેવું છે કે તેની અસર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જોવા મળી છે. પશ્ચિમ યુપીની સીટો પર ધનંજયસિંહની ચૂંટણી લડવાની વાત હોય કે જૌનપુરની, જ્યાં યુપીમાં ઠાકુર સમુદાયના વિરોધની વાત છે. હવે ભાજપે આ ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. નારાજગીના આ અહેવાલો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતાઓએ ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન આજતક સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહને આ સવાલ પૂછવામાં આવ્યો હતો.


શું આપ્યો જવાબ 
જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઠાકુર સમુદાય - ક્ષત્રિય સમાજની નારાજગી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું- રૂપાલાજીએ તરત જ માફી માંગી લીધી છે. અમે ત્રણ વખત માફી માંગી ચૂક્યા છીએ અને નારાજ લોકો સાથે ચર્ચા પણ કરી રહ્યાં છીએ. મને પૂરો વિશ્વાસ છે કે તે અમારી સાથે આવશે. તેમનો વિશ્વાસ ભાજપ પર જ છે.


જો કે, બીજીબાજુ વિરોધીઓ ચૂંટણી જંગમાં ભાજપ સામે ઠાકુર સમુદાય-ક્ષત્રિય સમાજની નારાજગીનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનો સંદેશ ઈન્ડિયા એલાયન્સની રેલીમાં આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહના નિવેદનથી આવ્યો છે. જો કે, આ પહેલા પણ અખિલેશ યાદવ અનેક પ્રસંગોએ ઠાકુર સમુદાય-ક્ષત્રિય સમાજને રીઝવતા જોવા મળ્યા છે.


તમને જણાવી દઈએ કે ઠાકુર સમાજે -ક્ષત્રિય સમાજે પશ્ચિમ યુપીમાં ઘણી જગ્યાએ મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આ પછી જાણકારોનું કહેવું છે કે આ સમાજ આ વખતે ભાજપનો વિરોધ કરી શકે છે. જો કે, આ સમુદાય હંમેશા ભાજપનો મુખ્ય મતદાર રહ્યો છે. ખાસ કરીને યુપીમાં ઠાકુર સમુદાય ભાજપને વોટ આપી રહ્યો છે.


શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.