Lok Sabha Election 2024: રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે કોંગ્રેસ ફરી એકવાર તુટી રહી છે, તાજા અપડેટ પ્રમાણે કોંગ્રેસને છોટા ઉદેપુરમાં મોટો ઝટકો લાગશે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવા જઇ રહ્યાં છે. આજે તલસાટમાં એક મોટા કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપને ખેસ પહેરશે. કોંગ્રેસમાં મોટુ ભંગાણ લોકસભા ચૂંટણીમાં અસર કરી શકે છે. 


રાજ્યમાં ભાજપમાં ભરતી મેળો યથાવત છે, એક પછી એક મોટા કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસને બાય બાય કરીને ભાજપનો કેસરિયો ખેસ પહેરી રહ્યાં છે. હાલમાં જ માહિતી મળી છે કે, વધુ એક મોટું ભંગાણ છોટા ઉદેપુર કોંગ્રેસમાં થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં વધુ એક ગાબડું થવા જઇ રહ્યું છે. આજે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર ભાજપમાં જોડાશે, આ સાથે જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પૂર્વ પ્રમુખ છત્રસિંહ ઠાકોર પણ ભાજપમાં કેસરિયા કરશે. આજે જિલ્લાના તલસાટ ગામમાં એક મોટો કાર્યક્રમ યોજાશે, જેમાં સામાજિક આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપનો ખેસ ધારણ કરશે. 


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં મોટો ભરતી મેળો ચાલી રહ્યો છે, જેમાં કોંગ્રેસના કેટલાય સીનિયર અને દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો પંજો છોડીને કમળના ફૂલને પકડ્યુ છે. આ લિસ્ટમાં સીજે ચાવડાથી લઇને અર્જૂન મોઢવાડિયા અને અંબરિશ ડેર જેવા નામો સામેલ છે. 


ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે


અમરેલીથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જેની ઠુંમરના નામાંકન પત્ર ભર્યા બાદ પરેશ ધાનાણી રાજકોટ રવાના થયા હતા. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ખંભે થેલો નાખી સ્કુટર લઈને રાજકોટ ચુંટણી લડવા રવાના થયા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો એ ભારત માતા કી જય સાથે પરેશ ધાનાણીને વિદાય આપી હતી. કાઠિયાવાડી તળપદી ભાષામાં કાર્યકરોને અમરેલી બેઠકની ભલામણ કરી હતી. તેમણે કહ્યું, પ્રેમની પટ્ટી બાંધી રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વીંધવા જાવ છું. પોતે પણ શેઢા મોસમ લઈને પરત આવશે એટલે કે વિજય પ્રાપ્ત કરી ને આવશે તેમ કહ્યું હતું.



અમરેલીમાં જેની ઠુંમરે ફોર્મ ભરી કરી આ વાત


લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે વી કે ફાર્મ હાઉસ ખાતે સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જેની ઠુંમરના સમર્થકો ઉમટી પડ્યા હતા. વીરજી ઠુંમર, પ્રતાપ દુધાત, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, પાલ આંબલીયા, પુંજા વંશ, કનુ કળસરિયા સહિત અનેક કોંગી નેતાઓ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી બેઠકના મહિલા ઉમેદવાર જેની ઠુંમર વિજય મુરત સમયે પોતાનું નામાંકન ભરવા ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કોંગી ઉમેદવાર જેની ઠુમ્મર જીતની આશા વ્યકત કરી હતી. ટ્રેક્ટર ખેડૂતનો સિમ્બોલ છે. ખેડૂતોને સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપ સરકારે કર્યું છે. ખેડૂતોનો અવાજ આ દીકરી બતાવશે.


અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની તડાફડી


અમરેલી કોંગ્રેસની સભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ની તડાફડી જોવા મળી હતી. તેમણે કહ્યું સામે પક્ષે બીજું કંઈ પણ કહેવા માંગતો નથી, સોશિયલ મીડિયામાં જોયું હશે કે મુખ્યમંત્રી કઈ ગયા હતા કે ઉમેદવાર પાસે બોલાવતા નહીં. આપણો પોપટ શું કરે એ નકી નથી. પોપટે હકીકતમાં ભાંગરો વાટ્યો. જીલ્લો આવા લોકોના હાથમાં સોંપવો છે કે ભણેલી ગણેલી દીકરીના હાથમાં સોંપવો છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રતિસ્પર્ધી ઉમેદવારને પોપટ ગણાવતા વિવાદના એંધાણ છે.


ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું ક્યારે યોજાશે મતદાન


ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠક માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાશે અને 4 જૂનના રોજ પરિણામો જાહેર થશે.