Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યા છે, ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓ મેદાનમાં પ્રચાર માટે ઉતારી ગયા છે, ત્યારે હવે મુદ્દા આધારિતા રાજનીતિના બદલે ગુજરાતમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ થઇ ગઇ છે. હાલમાં જ બનાસકાંઠા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને લઇને ભાજપના પ્રદેશ મંત્રી નોકાબેન પ્રજાપતિએ મોટું નિવેદન આપ્યુ છે, નોકાબેન પ્રજાપતિએ ગેનીબેનની સરખામણી મમતા બેનર્જી સાથે કરી છે. આ પછી હાલમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. 

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અત્યારે બનાસકાંઠા બેઠક પર પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે ભાજપ ગેનીબેનને ટાર્ગેટ કરવા મેદાનમાં ઉતર્યુ છે. રાજ્યમાં અત્યારે મુદ્દાઓથી ઉપર જઇને હવે લોકસભાની ચૂંટણીમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ થઇ ગઇ છે. હાલમાં જ પ્રદેશ ભાજપ મંત્રી નોકાબેન પ્રજાપતિએ ગેનીબેન ઠાકોર પર આરોપ લગાવ્યા છે. નોકાબેન પ્રજાપતિએ ગેનીબેનની સરખામણી સીધી જ મમતા બેનર્જી સાથે કરી દીધી છે. એક સભા દરમિયાન નોકાબેન પ્રજાપતિએ નિવેદન આપ્યુ છે  કે, કોંગ્રેસના લોકોના લોહીમાં ભ્રષ્ટાચાર છે. ચૂંટણી આવે એટલે ગેનીબેન વરરાજાની જેમ તૈયાર થઈ જાય છે. ગેનીબેન બીજા કોઈનો નંબર નથી આવવા દેતા. રડી રડીને ભેગુ કરેલુ અને પાર્ટીનું ફંડ ઘરભેગુ કરવું છે. તેમને વધુમાં આરોપ લગાવતા કહ્યું કે, ગેનીબેને મિલકતો છુપાવી છે, જેથી ચાર વખત એફિડેવિટ બદલવુ પડ્યુ છે. ગરીબ હોવાનો ઢોંગ કરીને ગેનીબેન જનતાને ગુમરાહ કરી રહ્યાં છે. ગેનીબેનની સરખામણી આ પ્રચાર દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ કરવામાં આવી છે.

બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો

બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવાર મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠક પર કુલ 19.53 લાખ મતદારોમાં સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાર અને 2.70 લાખ ચૌધરી સમાજના મતદારો આવેલા છે. ત્યારે આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા બેઠક પૈકીની વડગામ અને કાંકરેજ બેઠક પાટણ લોકસભા મતદાર વિસ્તારમાં આવે છે. તેને બાદ કરતા દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર મળી સાત વિધાનસભા બેઠકો આવેલી છે. બનાસકાંઠા બેઠક ઉપર કુલ 19,53,287 મતદારો નોંધાયેલા છે. જેમાં રાજકીય તજજ્ઞો દ્વારા જ્ઞાતિ આધારિત મતદારોની યાદીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં સોથી વધુ ઠાકોર સમાજના 3,43,122 મતદારો તેમજ ચૌધરી સમાજના 2,70,950 મતદારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં વાવ બેઠક ઉપર સોથી વધુ ઠાકોર સમાજના 82,852 મતદારો, જ્યારે થરાદ બેઠક ઉપર સોથી વધુ ચૌધરી સમાજના 72,567 મતદારો હોવાનો અંદાજ છે.

બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર અને ઔધરી સમાજની સાથે અનનસૂચિત જાતિ,રબારી, અનુસૂચિત જનજાતિ, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારો પણ પ્રભુત્ત્વ ધરાવે છે. જેમાં પાલનપુર, ડીસા અને દિયોદર બેઠક ઉપર પાટીદાર સમાજનો દબદબો છે. બનાસકાંઠા બેઠક કબજે કરવા ભાજપ તેમજ ક્રોંગ્રેસ દ્વારા મોટા સમાજના મતો અંકે કરવા રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે, ત્યારે ચૂંટણીમાં મતદારોમાં ક્યા પક્ષ કે ઉમેદવારની પસંદગી કરે છે તેને લઈ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

જ્ઞાતિ પ્રમાણે મતદારો

ઠાકોર 3,43,122
ચોધરી 2,70,950
અનુ.જાતિ 1,60,321
રબારી 1,58,005
રાજપૂત 66,497
બ્રાહ્મણ 95,610
પ્રજાપતિ 68,563
અનુ.જનજાતિ 171,632
દરબાર 71,450
મુસ્લિમ 96,242
પાટીદાર 39,345
માળી 47,635