Gujarat Rain Alert: રાજ્યમાં આજે અનેક જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જોકે આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. આ વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે. 


વડોદરા: છેલ્લા કેટલાક કલાકોથી વડોદરા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે અવિરત વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેરના રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, છાણી, સમા, નિઝામપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ, અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.


ભરૂચ: ભરૂચ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની સારી એવી અસર જોવા મળી રહી છે. નબીપુર, ઝગાર, બંબુસર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ભરૂચ શહેરમાં સ્ટેશન, શક્તિનાથ, પાંચ બત્તી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.


અમરેલી: અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. ચમારડી, ચરખા, વલારડી, ઘુઘરાળા, કુવરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.


સૌરાષ્ટ્ર: અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં આજે ખાબક્યો નુકસાનીનો વરસાદ. રાજકોટ, પોરબંદર, દ્વારકામાં પાછોતરા વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. બોટાદ, જામનગરમાં પણ ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જામનગરના લાલપુર પંથકમાં નુકસાનીનો વરસાદ વરસ્યો છે.


દ્વારકા: દ્વારકા જિલ્લામાં દ્વારકા શહેર, કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં વરસાદ વરસ્યો છે. ખંભાળિયાના ખોખરી, માંઝા, ભટગામમાં વરસાદ પડ્યો છે. પાનેલી, નાવદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન થયું છે.


દાદરા નગર હવેલી: દાદરા નગર હવેલીના સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની માહોલમાં વરસેલા વરસાદને કારણે ખેડૂતોએ ડાંગરના પાકને નુકસાન સહન કરવું પડ્યું છે.


ખેડૂતોની ચિંતા વધી: અચાનક વરસેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા છે.


અંબાલાલ પટેલની આગાહી


જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel Rain Forecast) ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય રહેવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં નવી ચક્રવાતની શક્યતા છે અને આના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડવાની શક્યતા છે.


પટેલે જણાવ્યું કે, હાલમાં જે સિસ્ટમ બંગાળના ઉપસાગરમાંથી આવી હતી તે હવે પશ્ચિમ ઘાટ તરફ વરસાદ કરતી રહેશે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના મોટા ભાગના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ, અમરેલી, બંદર, દ્વારકા, કચ્છ, જામનગર,  રાજકોટ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.


આ પણ વાંચોઃ


હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી