PM Modi in Gujarat Live: વાળીનાથ ધામથી PM મોદીના પ્રહાર, કહ્યુ- 'કૉંગ્રેસે વર્ષ 2004થી 2014 સુધી ફાઈલો દબાવી હતી'
PM Modi in Gujarat Live: વડાપ્રધાન મોદી મહેસાણામાં એક જાહેર સભાને સંબોધશે
વાળીનાથ ધામથી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ સોમનાથ, રામ મંદિર અને સૂર્યમંદિરની વિરાસતને લઈ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કોંગ્રેસને ભગવાન રામ અને રામ મંદિર વિરોધી ગણાવી હતી. વડાપ્રધાને કહ્યું કે કૉંગ્રેસે વર્ષ 2004થી 2014 સુધી ફાઈલો દબાવી હતી. ઉત્તર ગુજરાતના ખેડૂતો વર્ષમાં બે પાક લઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે કૉંગ્રેસે સોમનાથ મંદિરને પણ વિવાદનું કારણ બનાવ્યુ હતું. સૂર્યમંદિર મુદ્દે કૉંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરી છે. રામમંદિરના નિર્માણ પર કૉંગ્રેસે વર્ષો સુધી સવાલ ઉઠાવ્યા હતા. નકારાત્મકતાથી જીવનારા લોકો નફરતની રાજનીતિ છોડતા નથી.
વડાપ્રધાને કહ્યું કે દેશના 80 કરોડને વિનામૂલ્યે અનાજ મળી રહ્યુ છે. એક પ્રકારે આ ભગવાનનો જ પ્રસાદ છે. ઉત્તર ગુજરાતે પાણી માટે તકલીફ ભોગવી છે.
તરભ વાડીનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. વાળીનાથ મંદિરમાં PM મોદીએ પૂજા અર્ચના કરી હતી. 13 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કનું PMના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે વાળીનાથે વટ પાળ્યો છે. વાળીનાથની રોનક આજે કંઈક વધુ છે. ઘરે સ્વાગત થાય ત્યારે આનંદ અલગ હોય છે. આજે મારા ગામના લોકોને જોઈને આનંદ થયો છે. એક મહિના પહેલા અયોધ્યામાં પ્રભુ રામના ચરણોમાં હતો. અબુધાબીમાં હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે. આજે વાળીનાથ મંદિરમાં પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. રબારી સમાજ માટે પૂજ્ય ગુરૂગાદી છે.
વાળીનાથ ધામના જયરામગીરી બાપુએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. વાળીનાથ ધામમાં PM મોદીએ પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડાપ્રધાને વિકસિત ગુજરાતની ગેરન્ટી આપી છે. વિકાસોત્સવ ઉ.ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવશે. ઉત્તર ગુજરાતને 13 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાળીનાથ મહાદેવના મંદિર પહોંચ્યા અને મહાદેવનું ષોડસોપચારે પૂજન કરીને અભિષેક અને આરતી પૂજા થાળ ધરાવ્યો હતો. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીના હસ્તે સંપન્ન કરવામાં આવી, પૂજા વિધિ બાદ તેઓ તરભમાં જન સભાને સંબોધિત કરશે.
વડાપ્રધાને કહ્યું હતું કે ગામના નાના ખેડૂતોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાનો પ્રયાસ છે. માઈક્રો ઈરીકેશન, ટપક સિંચાઈથી ખેતી વધી છે. કેન્દ્ર સરકારનું જોર અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર છે.ખેડૂતોને સોલાર પમ્પ આપવાની યોજના છે. પશુપાલકો માટે ગોવર્ધન યોજના શરૂ કરવામાં આવી છે. 2 લાખથી વધુ ગામોમાં સહકારી સમિતિઓનું નિર્માણ કરાયું છે. ખેતી, પશુપાલનમાં સહકારી સમિતિની મહત્વની ભૂમિકા છે. સહકારી સમિતિઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. અમૂલ આજે દુનિયાની આઠમી સૌથી મોટી ડેરી છે. અમૂલને દુનિયાની સૌથી મોટી ડેરી બનાવીશું આ મોદીની ગેરન્ટી છે.
તેમણે કહ્યું હતું કે 15 હજાર આધુનિક ડ્રોન નમો ડ્રોન દીદીઓને અપાશે. ગામે ગામ નમો ડ્રોન દીદીઓ ખેતીઓમાં અગ્રીમ સાબિત થશે. રાજ્યની ડેરી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. દૂધની રકમ મહિલાઓના ખાતામાં સીધી જમા થાય છે. માઈક્રો એટીએમ લાગવાથી પશુપાલકોની સુવિધા વધી છે. ગ્રામ્ય વિસ્તારોને સરકારે પ્રાથમિકતા આપી છે. નાના ખેડૂતોનું જીવન કેવી રીતે સુધારવું તે સરકારની પ્રાથમિકતા છે. સરકારે ખેડૂતોને ઉત્કૃષ્ટ કક્ષાના બિયારણ આપ્યા છે. દૂધાળુ પશુઓની જાતિ સુધારવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. પશુઓને બીમારીથી બચાવવા 15 હજાર કરોડના ખર્ચે રસીકરણ કરવામાં આવ્યું છે. પશુધનનો વીમો ઉતારવામાં પ્રિમિયમ ઓછું ભરવું પડશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધારવા પ્રયત્નશીલ છે. કેન્દ્ર સરકારની યોજનાઓની 70 ટકા લાભાર્થી મહિલાઓ છે. પીએમ આવાસ યોજના અંતર્ગત 4 કરોડ ઘર અપાયા છે. પીએમ આવાસ હેઠળ અપાયેલા મોટાભાગના ઘર મહિલાઓના નામે છે.
વડાપ્રધાને અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અમૂલની યાત્રાને સફળ બનાવવા પશુધનની મહત્વની ભૂમિકા રહી છે. પશુધન વગર ડેરી ક્ષેત્ર આગળ વધી ના શકે. આઝાદી બાદ અમૂલ શ્રેષ્ઠ બ્રાન્ડ બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા, અમૂલ એટલે મોટા સંકલ્પનું ઉદાહરણ છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે દુનિયાના 50થી વધુ દેશોમાં અમૂલના ઉત્પાદનોનું નિકાસ કરવામાં આવે છે.અમૂલે અનેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. અમૂલ સહકાર અને સંગઠનની શક્તિ છે. અમૂલે આવનારી પેઢીનું ભાગ્ય બદલ્યું છે. અમૂલનો પાયો સરદાર સાહેબના માર્ગદર્શનમાં નખાયો હતો. અમૂલ એટલે સરકાર અને સહકારનો તાલમેલ છે.
વડાપ્રધાને કહ્યું હતું કે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. ડેરી સેક્ટરમાં દેશના 8 કરોડ લોકો સીધા જોડાયેલા છે. છેલ્લા 10 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતા 40 ટકા વધી છે. ભારતમાં ડેરી સેક્ટરનું 10 લાખ કરોડ ટર્ન ઓવર છે. ડેરી સેક્ટરની કર્તાધર્તા આપણી માતા, બહેનો, દીકરીઓ છે. કૃષિના મુખ્ય ઉત્પાદનોથી વધુ ડેરી સેક્ટરનું ટર્નઓવર છે. દેશની મહિલા શક્તિ ડેરી સેક્ટરની કરોડરજ્જુ છે. નારી શક્તિના પરીશ્રમથી અમૂલ ઊંચાઈ પર પહોંચ્યું છે. મહિલા શક્તિના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. અમૂલ મહિલા શક્તિના નેતૃત્વની પ્રેરણા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને સંબોધતા કહ્યું હતું કે સહકારથી સમૃદ્ધિ થકી રામરાજ્યના પ્રણેતા વડાપ્રધાન મોદી છે. સહકાર ક્ષેત્રની તાકાત સમાજ પર પ્રભાવશાળી રહી છે. મોદી-શાહની જોડીએ સહકારથી સમૃદ્ધિનું સૂત્ર આપ્યુ છે. સર્વાંગી વિકાસની પદ્ધતિ નરેંદ્રભાઈએ વિકસાવી છે. અમૂલ વિશ્વનું સૌથી મોટો સહકારી પરિવાર છે.
તેમણે કહ્યું હતું કે બે દાયકાઓમાં મિલ્ક માર્કેટિંગ ફેડરેશન વધુ વિકસીત થયું છે. પશુપાલનનો વ્યવસાય મહિલાઓ સંભાળે છે જેના કારણે પશુપાલન થકી મહિલાઓ સ્વનિર્ભર બની છે. ડિજિટલ ભારતની નેમ ડેરીઓએ સાકાર કરી છે. આપણી ડેરીઓએ ટેક્નોલોજીનો સાથ લીધો છે.
છ દૂધ સંઘે 9 જુલાઈ 1973એ GCMMFની સ્થાપના કરવામાં આવી હતી. ડૉ.વર્ગીસ કુરિયનના નેતૃત્વમાં સ્થાપના કરાઇ હતી. હાલ 18 દૂધ સંઘ 18 હજાર 600 ગામના 36 લાખ ખેડૂતો ધરાવે છે. 50થી વધુ દેશોમાં દૂધની બનાવટની નિકાસ કરે છે. સમગ્ર દેશમાં અમૂલની 86 શાખા છે. સમગ્ર દેશમાં અમૂલના 15 હજાર વિતરક, 10 લાખ રિટેઈલર્સ નેટવર્ક છે. ગત નાણાકીય વર્ષમાં ફેડરેશનનું ટર્ન ઓવર 72000 કરોડ હતું. હાલમાં અમૂલ વિશ્વની 8 મી સૌથી મોટી ડેરી સંસ્થા છે
વડાપ્રધાન મોદી GCMMFના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત કાર્યક્રમમાં દેશભરમાંથી હજારો પશુપાલકો પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
જળ સંસાધન વિભાગ હેઠળ રૂ.1200 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થવા જઇ રહ્યું છે, જેમાં માધવગઢથી રાયગઢ પાઇપલાઇન અને થરાદથી સીપુ ડેમ પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ બાલારામ-મલાણા પાઇપલાઇન અને સતલાસણા અને ખેરાલુ તાલુકાના તળાવો ભરવા માટેની પાઇપલાઇનના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ.248 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રૂ.2100 કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહુર્ત, હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના રૂ.1685 કરોડના ખર્ચે 2 પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત તેમજ ઊર્જા મંત્રાલયના રૂ.612 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
ઉપર જણાવેલ તમામ વિકાસકાર્યો ઉપરાંત, અંદાજિત રૂ. 507 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગના 9 કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, અંદાજિત રૂ.108 કરોડના ખર્ચે IMD-પ્રવાસન વિભાગના 3 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ રૂ.36 કરોડના ખર્ચે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ સમરસ ગ્રામ પંચાયતનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આમ, મહેસાણા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ.13,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ગુજરાતની જનતાને ભેટ આપશે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ હાઇવે પર નાની ગામ ખાતે નિર્માણ પામી રહેલા એરફોર્સ સ્ટેશન ડીસા માટે અંદાજિત રૂ394 કરોડના ખર્ચે રનવે તૈયાર કરવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ આગામી 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે થશે.
આ એરબેઝ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિમીના અંતરે સ્થિત છે, જે દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ડીસા એરફિલ્ડની સ્થાપનાથી ભારતને પશ્ચિમ સરહદ પર જમીન અને સમુદ્ર પર એક સાથે કામગીરી કરવા માટે ભૌગોલિક રીતે સુરક્ષિત લોન્ચ પેડ મળશે. અમદાવાદ અને વડોદરાના મહત્વના આર્થિક કેન્દ્રોને એર ડિફેન્સ પ્રોવાઇડ કરવામાં ડીસા એરફિલ્ડ મહત્વપૂર્ણ બની રહેશે. GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ)ના ધોરણોને અનુસરીને, પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી અને ગ્રીન ફિલ્ડના ખ્યાલોનો ઉપયોગ કરીને આ એરફોર્સ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ એરફોર્સ સ્ટેશનના નિર્માણથી કચ્છ અને દક્ષિણ રાજસ્થાન વિસ્તારોમાં આર્થિક સમૃદ્ધિ આવશે કારણ કે તે સ્થાનિકો માટે સારી રોજગારીની તકો ઊભી કરશે UDAN RCS થી રિજિયોનલ એર કનેક્ટિવિટી આપશે. આ એરફિલ્ડ ભારતને, મહત્વપૂર્ણ કંડલા બંદર તેમજ જામનગર ઓઈલ રિફાઈનરીથી પૂર્વમાં એર હેડ પ્રદાન કરીને તેની આર્થિક અને ઊર્જા આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે અને આ વિસ્તારમાં HADR મિશન માટે લોન્ચ પેડ તરીકે પણ કામ કરશે.
વડાપ્રધાનના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ R&B), નેશનલ હાઇવે (NH) અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં રૂ.310 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને અંદાજિત રૂ.1400 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત થશે. આમ, માર્ગ અને મકાન વિભાગના કુલ અંદાજિત રૂ.1700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે રૂ.2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર-સમખિયાળી (134.30 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.84 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.89 કિમી) ન્યુ બ્રોડગેજ લાઇન, મહેસાણા-ભાંડુ મોટી દાઉ (8.89 કિમી) સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. રાધનપુર-સમખિયાળી સેક્શન પાલનપુર-સમખિયાળી (247.73 કિમી) ડબલિંગનો ભાગ છે, જે કચ્છના રણ, જોધપુર, બિકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે.
બ્રેકગ્રાઉન્ડ
PM Modi in Gujarat Live: PM Modi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું કે પીએમ ગુરુવારે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. પીએમ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
જાણો સંપૂર્ણ કાર્યક્રમ
-પીએમ મોદી 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10.45 કલાકે અમદાવાદ પહોંચશે. અહીં પીએમ મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.
-પીએમ મોદી બપોરે 12.45 કલાકે મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તે પછી લગભગ 1 વાગ્યે, પીએમ મોદી મહેસાણામાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને 13,500 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
-આ પછી પીએમ મોદી સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં તેઓ 47,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી સાંજે લગભગ 6 વાગ્યે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે. અહીંથી પીએમ મોદી બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) ગિફ્ટ કરશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત ₹13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
- ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જેનો રાજ્યની 8030 ગ્રામ પંચાયતોને લાભ
- રૂ.2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે
- રૂ.1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
- માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંદાજિત રૂ.1700 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
- અંદાજિત રૂ.394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ, દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.
ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત પ્રધાનમંત્રી ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 એમબીપીએસ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામપંચાયત દીઠ 1 જીબીપીએસ સુધી વધારી શકાય છે.
આ ઉપરાંત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડીંગનું લોકાર્પણ, તેમજ હ્યુમન અને બાયોલોજિકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સીટી ખાતે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર (GBRU) ના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ₹2500 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -