જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા આજથી બે દિવસ માટે ભારતની મુલાકાતે છે ત્યારે આજે પ્રથમ દિવેસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફુમિયો કિશિદા વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ભારતની બોર્ડર પર વધી રહેલા ચીનના આક્રમણ અને દખલગીરી વિશે વાતચીત થઈ હતી. લદાખમાં બોર્ડર પર ચીનની દખલગીરી અંગે ભારતે જાપાનના પ્રધાનમંત્રીને માહિતી પણ આપી હતી. 


ચીન મુદ્દે ભારત-જાપાન વચ્ચે ચર્ચાઃ
વિદેશ વિભાગના સચિવ હર્ષ વી. શ્રીંગલાએ આજે મીડિયા સાથે પીએમ મોદી અને જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા વચ્ચે થયેલી વાતચીત અંગે જણાવ્યું હતું કે, "બંને પ્રધાનંત્રીઓએ ચીન મુદ્દે ચર્ચા કરી હતી. અમે લદ્દાખની સ્થિતિ, બોર્ડર પર ચીની સૈનિકોના એકત્રીકરણ અને ભારત-ચીન વચ્ચે બોર્ડરના મુદ્દે થયેલી વાતચીત મુદ્દે પણ જાપાનના પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યું છે." આ સાથે જ જાપાનના પ્રધાનમંત્રી કિશિદાએ તેમના દક્ષિણ ચીની સમુદ્ર વિશેના પોતાના દૃષ્ટિકોણ અંગે પણ ભારતને માહિતગાર કર્યું છે. 


હર્ષ વી. શ્રીંગલાએ વધુમાં જણાવ્યું કે, ભારતે એ વાત પર પણ ભાર મુક્યો છે કે, ચીન સાથેના સંબંધોને હંમેશાની જેમ વ્યાપારીક સંબંધો જ ના માની શકાય જ્યાં સુધી બોર્ડરના વિવાદ મુદ્દે શાંતિ સ્થપાય અને આ સમસ્યાનો ઉકેલ ના આવે. 






જાપાન કરશે ભારતમાં રોકાણઃ
આજે 14મા ભારત-જાપાન શિખર સંમેલનમાં પણ બંને દેશોના પ્રતિનિધિ મંડળ સાથે નરેન્દ્ર મોદી અને ફુમિયો કિશિદાએ વિવિધ મુદ્દે કરાર કર્યા હતા. પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે, જાપાન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન યેન અથવા રૂ. 3.2 લાખ કરોડનું રોકાણ કરશે.