દાનિશ અલી પહેલા શ્યામ સિંહ યાદવ લોકસભામાં સંસદીય દળના નેતા હતા. પરંતુ થોડા મહિનાઓમાં જ માયાવતીની ગુડબુકમાંથી તેઓ બહાર થઈ ગયા હતા. મુસ્લિમ મતદારોને રિઝવવા માટે બસપા સુપ્રીમોએ દાનિશને આ જવાબદારી સોંપી હતી. તેઓ પાર્ટીના સીનિયર લીડર સતીશ ચંદ્ર મિશ્રના નજીકના માનવામાં આવે છે.
બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. તેમણે દાનિશ અલીને હટાવીને રિતેશ પાંડેને લોકસભામાં નેતા બનાવવાનું કારણ પણ જણાવ્યું હતું. માયાવતીએ કહ્યું પાર્ટીના ઉત્તરપ્રદેશ અધ્યક્ષ અને લોકસભામાં નેતા એક જ સમાજના હતા. એટલે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્યારે મુનકાદ અલી બસપા પ્રદેશ અધ્યક્ષ છે. માયાવતીનું કહેવું છે કે સામાજિક સમીકરણો ઠીક કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ પાર્ટીના એક સાંસદે કહ્યું આ ફક્ત એક બાનુ છે.
38 વર્ષના રિતેશ પાંડે પ્રથમ વખત સાંસદ બન્યા છે આ પહેલા તેઓ ધારાસભ્ય હતા. 2017માં અંબેડકરનગરના જલાલપુરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. રિતેશના પિતા રાકેશ પાંડે પણ અંબેડકરનગરથી લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તેઓ પોતાના વિસ્તારમાં બાહુબલી નેતા તરીકે જાણીતા હતા.