વોશિંગ્ટનઃ કોરોના વાયરસને લઈ વિશ્વમાં સતત રિસર્ચ થઈ રહ્યા છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે જેટલું સંશોધન થઈ રહ્યું છે તેટલી જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. નવા સંશોધન પ્રમાણે કોરોના વાયરસના દર્દીમાં ડિપ્રેશન કે ચિંતાના લક્ષણો જોવા મળે તો તેનાથી ચેતાતંત્રને નુકસાન થઈ શકે છે.


ધ લેરિંજોસ્કોપ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ બંને મનોવૌજ્ઞાનિક લક્ષણ (ડિપ્રેસન કે ચિંતા સૂંઘવાની શક્તિ અને સ્વાદ નહીં ઓળખી શકવાની એકદમ નજીક છે. જે કોરોના વાયરસના સામાન્ય લક્ષણો જેવા કે શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ જેવા લક્ષણોવાળા દર્દીમાં ખાસ જોવા મળતા નથી.

અમેરિકાની સિનસિનાટી યૂનિવર્સિટીના રિસર્ચર અહમદ સેદાઘતે જણાવ્યું, કોરોનાના સૌથી ઓછા હાનિકારક લક્ષણ સૌથી મોટી મનોવૈજ્ઞાનિક બીમારીનું કારણ હોઈ શકે છે. તેથી આપણને બીમારી અંગે કંઈક નવું જાણવા મળી શકે છે. સંશોધનકર્તા દ્વારા છેલ્લા છ સપ્તાહમાં કોરોના સંક્રમિત થયેલા 114 દર્દીને ટેલિફોનિક પ્રશ્નાવલી દ્વારા સવાલ પૂછાયા હતા. આ તમામ દર્દીની સ્વિત્ઝરલેન્ડમાં સારવાર થઈ હતી.

રિસર્ચરે સૂંઘવાની તથા સ્વાદ પારખવાની શક્તિ જતી રહેવી, નાક બંધ થઈ જવું, નાકમાંથી પાણી આવવું, શરદી, ઉધરસ, તાવ અને શ્વાસની તકવીફ જેવા લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. જે કોરોના દર્દી પર રિસર્ચ કરવામાં આવ્યું તેમાંથી 47.4 ટકાએ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ડિપ્રેશનમાં રહેવાની વાત કહી હતી. જ્યારે 21.1 ટકા એ લગભગ દરરોડ ઉદાસ રહેતા હોવાનું જણાવ્યું હતું.

રિસર્ચરે કહ્યું કે, અમે એવા તારણ પહોંચ્યા છીએ કે ડિપ્રેશન કે ચિંતાના રૂપમાં કોરોના વાયરસ શરીરની નર્વસ સિસ્ટમમાં દાખલ થઈ શકે છે અને મગજને પ્રભાવિત કરી શકે છે.