નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે પણ ઠંડીનો કહેર ચાલુ છે. આજે લઘુત્તમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતાં 29 ટ્રેનો નિર્ધારીત સમય કરતાં 2 થી લઈને 9 કલાક સુધી મોડી દોડી રહી છે.


હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ન્યૂનતમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી થોડા દિવસો સુધી આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેશે અને હળવો ધૂમ્મસ રહેશે. મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આપપાસ રહેવાની સંભાવના છે.

30 ડિસેમ્બર 2019 એ તોડ્યો 119 વર્ષ જૂનો રેકોર્ડ

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 30 ડિસેમ્બરના રોજ 119 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. દિલ્હીમાં 1901 બાદ 30 ડિસેમ્બર, સોમવારનો દિવસ સૌથી ઠંડો રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સોમવારે સાંજે 5.30 કલાકે દિલ્હીનું મહત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલા 1901માં ડિસેમ્બર મહિનામાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રિઝનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું, આજે તાપમાન વર્ષના દિવસોમાં રહેતું સામાન્ય તાપમાનથી પણ અડધું છે. આજે ડિસેમ્બર મહિનાનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે.

દર્દીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો

દિલ્હીમાં સતત વધી રહેલી ઠંડીની સૌથી વધારે અસર દર્દીઓ પર થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ઠંડી ઘટવાનું નામ નથી લઈ રહી. આ સ્થિતિમાં દિલ્હીની હોસ્પિટલોમાં શ્વાસ લેવામાં મુશ્કેલી અને તે સંબંધિત અન્ય બીમારીના દર્દીની સંખ્યા વધી ગઈ છે. એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ, ઓપીડીમાં દર્દીની સંખ્યા આશરે 15-20 ટકા વધી ગઈ છે. આ વખતે દિલ્હીમાં પહાડી વિસ્તારો કરતાં પણ વધુ ઠંડી પડી રહી છે.

વિજય માલ્યાને ઝટકો, જપ્ત સંપત્તિ વેચીને ઋણ વસુલવા કોર્ટે આપ્યો આદેશ

બગદાદમાં અમેરિકન દૂતાવાસની દીવાલ તોડી અંદર ઘૂસ્યા દેખાવકારો, લગાવ્યા ‘અમેરિકા મુર્દાબાદ’ના નારા