નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હિંસામાં તમામ  ઈજાગ્રસ્ત લોકોની ખાનગી હોસ્પિટલનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ સિવાય મૃતકોના પરિવારને દસ-દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. સગીરના મોત પર પાંચ લાખ રૂપિયા અને આખુ મકાન કે દુકાન સળગી ગઈ હોય તેમને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાનીદિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. જેમાં 50 થી વધુ પોલીસ જવાન સહિત 200 જેટલા લોકો ઘાયલ થયા છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુરુવારે મળેલી બેઠકમાં હિંસાથી પ્રભાવિત લોકોને રાહત આપવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, હિંસા દરમિયાન જે ઘાયલ થયા છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે તેમને ફરિશ્તે સ્કીમ હેઠલ દિલ્હી સરકાર ખર્ચ ઉઠાવશે.
જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને જે લોકો ઘરવિહોણા થઈ ગયા અને તેમની પાસે રહેવાની વ્યવસ્થા નથી તો તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પહેલા બુધવારે વિધાનસભામાં કેજરીવાલે કહ્યું હતું કે “આ હિંસામાં એક હેડ કૉન્સ્ટેબલ શહીદ થઈ ગયા છે. દરેક શહીદ પરિવારની જેમ શહીદ રતનલાલના પરિવારને દિલ્હી સરકાર દ્વારા એક કરોડ રૂપિયાની સહાય આપવાાં આવશે અને તેમના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. ”


પોલીસ અધિકારી અનુસાર, દિલ્હી હિંસામાં કથિત રીતે સામેલ થનાર 106 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 18 એફઆઈઆર નોંધવામાં આવી છે. એડિશનલ કમનિશ્નર ઓફ પોલીસ (ક્રાઈમ) મંદીપ સિંહ રંધાવાએ મીડિયાને જણાવ્યું કે, “બુધવારે કોઈ પણ અપ્રિય ઘટના નથી બની અને ઉત્તર પૂર્વ દિલ્હીથી આવતા પીસીઆર કૉલમાં પણ ઘટાડો થયો છે. ”

હિંસાગ્રસ્ત વિસ્તારો જાફરાબાદ, સલીમપુર, બાબરપુર, મૌજપુરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ અહીં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.

મનમોહન સિંહે દિલ્હી હિંસાને ગણાવી રાષ્ટ્રીય શરમ, કહ્યુ- સરકારને રાષ્ટ્રપતિ યાદ અપાવે રાજધર્મ