Kaali Movie Controversy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી પ્રાકૃતિક કૃષિ સંમેલનને (Natural Agriculture Conference) સંબોધન કર્યું હતું. દેશભરમાં કાલી ફિલ્મના પોસ્ટર અંગે વિવાદ ચાલી રહ્યો છે એ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, "દેશ ઉપર માં કાલીનો આશીર્વાદ હંમેશા રહે. માં કાલી સમગ્ર ભારતની ભક્તિનું કેન્દ્ર છે."
પ્રાકૃતિક કૃષિ સંમેલનનું આયોજન સુરતમાં થઈ રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદી વર્ચ્યુલી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે સંમેલનને સંબોધન કરતાં કહ્યું કે, કેટલાક મહિનાઓ પહેલાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન થયું હતું. આ કોન્કલેવમાં સમગ્ર દેશના ખેડૂતો જોડાયા હતા. આ પછી હવે એક વાર ફરીથી સુરતમાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમ આ વાતનું પ્રતિક છે કે, ગુજરાત કઈ રીતે દેશના અમૃત સંકલ્પોને ગતિ આપી રહ્યું છે.
કૃષિ વ્યવસ્થા જીવનનો આધારઃ PM
પ્રાકૃતિક કૃષિ સંમેલન કાર્યક્રમમાં વર્ચ્યુલી સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના 75 વર્ષ નિમિત્તે દેશમાં એવા અનેક લક્ષ્યો પર કામ કરવાનું શરુ થયું છે જે આવનારા સમયમાં મોટા બદલાવોનો આધાર બનશે. અમૃત કાળમાં દેશની ગતિ-પ્રગતિનો આધાર, બધાના પ્રયાસની એ ભાવના છે જે આપણી આ વિકાસ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યું છે. કૃષિ વ્યવસ્થાને જીવનનો આધાર જણાવતાં પીએમ મોદીએ કહ્યું, આપણું જીવન, આપણું સ્વાસ્થ્ય, આપણો સમાજ એમ બધાનો આધાર કૃષિ વ્યવસ્થા જ છે. ભારત તો સ્વભાવ અને સંસ્કૃતિથી કૃષિ આધારિત દેશ જ રહ્યો છે. એટલા માટે જેમ-જેમ આપણા ખેડૂતો આગળ વધશે તેમ-તેમ આપણી કેતી ઉન્નત અને સમૃદ્ધ બનશે અને આપણો દેશ આગળ વધશે.