Ratan Tata death: દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. બોલિવૂડથી લઈને અનેક વૈશ્વિક પ્લેટફોર્મ પરના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. આવી સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદી અને રતન ટાટા વચ્ચેના સંબંધોને આ ઘટના પરથી સમજી શકાય છે. આ વર્ષ 2006 અને 2008 વચ્ચેની વાત છે. ટાટા ગ્રુપ પશ્ચિમ બંગાળના સિંગુરમાં તેની નાની કાર નેનો પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યું હતું.
બંગાળ સરકારે ટાટાને અહી પ્લાન્ટ સ્થાપવા માટે જમીન સંપાદિત કરીને આપી હતી. પરંતુ આ પ્રોજેક્ટને લઈને સ્થાનિક લોકોનો ભારે વિરોધ થયો હતો. અહીંના ખેડૂતો તેમની જમીન સંપાદન કરવાના વિરોધમાં હતા અને સરકારે અહીંની જમીન ટાટાને આપી દીધી હતી. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી અને તેમના કાર્યકરો પણ આ પ્રોજેક્ટના વિરોધમાં ખુલ્લેઆમ સામે આવ્યા હતા. તે સમયે મમતા બેનર્જી રાજ્યમાં વિપક્ષની રાજનીતિ કરી રહ્યા હતા.
સિંગુરમાં મમતા બેનર્જીએ નેનોનો કર્યો વિરોધ
ટાટા મોટર્સે નેનો બનાવવા માટે ફેક્ટરીનું બાંધકામ શરૂ કર્યું હતું. ટાટાની યોજના 2008 સુધીમાં ફેક્ટરીમાંથી કારનું ઉત્પાદન શરૂ કરવાની હતી. નોંધનીય છે કે કંપનીએ રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત છ સાઇટ્સમાંથી સિંગુરની પસંદગી કરી હતી. મમતા બેનર્જીએ ખેડૂતો સાથે મળીને “ખેતર બચાવો” આંદોલન શરૂ કર્યું હતું.
પ્લાન્ટ સિંગુરથી સાણંદ ખસેડવામાં આવ્યો
વિરોધ એટલો ઉગ્ર બન્યો કે ટાટાએ આખરે 3 ઓક્ટોબર 2008ના રોજ સિંગુરમાંથી પોતાનો પ્લાન્ટ ખસેડવાનો નિર્ણય લીધો હતો. રતન ટાટાએ આ નિર્ણય માટે મમતા બેનર્જી અને તેમના સમર્થકોના આંદોલનને જવાબદાર ઠેરવ્યું હતું.
પરંતુ, 7 ઓક્ટોબર 2008ના રોજ રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ ગુજરાતના સાણંદમાં ટાટા નેનો પ્લાન્ટ સ્થાપશે. સવાલ એ ઊભો થયો કે આ પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં કેવી રીતે પહોંચ્યો? કેટલાક અન્ય રાજ્યો પણ લાઇનમાં હતા જેઓ ઇચ્છતા હતા કે આ પ્લાન્ટ તેમના રાજ્યમાં આવે.કારણ કે આટલો મોટો પ્લાન્ટ લગાવવાથી સમગ્ર વિસ્તારનો વિકાસ થાય છે અને લોકો માટે રોજગારીની તકો ઉભી થાય છે.
સિંગુરની જાહેરાત બાદ CM મોદીનો મેસેજ
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા હતા. તેમણે અંદાજ લગાવ્યો હતો ટાટા કંપનીએ પ્લાન્ટ માટે અન્ય સ્થળ શોધવું પડશે. આવી સ્થિતિમાં રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ પશ્ચિમ બંગાળમાં પ્લાન્ટ બંધ કરશે. આના થોડા સમય બાદ તેમને એક મેસેજ મળ્યો જેમાં લખ્યું હતું 'વેલકમ'. આ એક શબ્દ અને રતન ટાટાને તેમના નેનોના સપના માટે ફરીથી આશા દેખાવા લાગી હતી. 3 ઓક્ટોબરે રતન ટાટાએ પશ્ચિમ બંગાળમાં પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત કરી હતી અને 7 ઓક્ટોબરે સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.
સમજી શકાય છે કે માત્ર ત્રણ દિવસમાં જ નવી જગ્યાએ આટલો મોટો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેનો અર્થ એ કે પ્લાન્ટની તમામ આવશ્યકતાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગુજરાતના સાણંદમાં નવી ફેક્ટરીને બનાવવામાં 14 મહિનાનો સમય લાગ્યો હતો, જ્યારે સિંગુર ફેક્ટરીમાં 28 મહિનાનો સમય લાગ્યો હતો.
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક