Punjab Assembly Elections: પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. હવે શિરોમણી અકાલી દળે જાહેરાત કરી છે કે પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પણ ચૂંટણી લડશે. તે સિવાય પૂર્વ મંત્રી બિક્રમ મજીઠિયા બે બેઠકો પરથી ચૂંટણી લડશે. મજીઠિયા અમૃતસર ઇસ્ટથી ચૂંટણી લડીને કોગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને ટક્કર આપશે. તે સિવાય તેઓ પોતાની જૂની બેઠક મજીઠાથી પણ ચૂંટણી લડશે.
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે બુધવારે અમૃતસરમાં આ જાહેરાત કરી છે. અકાલી દળના આ નિર્ણય બાદ અમૃતસર ઇસ્ટ બેઠક પર રસપ્રદ મુકાબલો જોવા મળશે. સિદ્ધુએ આ બેઠક પરથી છેલ્લે મોટી જીત હાંસલ કરી હતી. બિક્રમ મજીઠિયા 2007થી મજીઠાથી ચૂંટણી લડતા રહ્યા છે. હવે મજીઠિયાને અકાલી દળે સિદ્ધુ સામે ઉતારવાનો નિર્ણય લીધો છે.
ડ્રગ્સ કેસમાં મજીઠિયાની આગોતરા જામીન હાઇકોર્ટે ફગાવી દીધા છે. હવે તેમની પાસે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ બચ્યો છે. હાઇકોર્ટે મજીઠિયાને સુપ્રીમ કોર્ટમાં જવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો ચે. જ્યારે અકાલી દળે મજીઠિયા પરના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.