લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે કોગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. કોગ્રેસના 89 ઉમેદવારોની આ લિસ્ટમાં 37 મહિલા ઉમેદવારો છે. જ્યારે પાર્ટીએ 41 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં 16 ઉમેદવારો મહિલા હતી. જ્યારે પ્રથમ લિસ્ટમાં 125 ઉમેદવારોમાંથી 50 મહિલા ઉમેદવારો હતી.
મહિલા ઉમેદવારોમાં પૂનમ કંબોજને બેહટ, અકબરી બેગમને બિજનૌર, છબિ વાષ્ણેયને સિકંદરા રાવ, અલકા સિંહને બિથરી ચૈનપુર, બાલાદેવી સૈનીને નૂરપુર, દિવ્યા શર્માને અમનપુરથી મેદાનમાં ઉતાર્યા છે. મમતા વર્માને હરગાંવ, અનુપમા દ્વિવેદીને લહરપુરથી, ઉષા દેવીને મહમૂદાબાદ, કમલા રાવતને સિધૌલીથી ટિકિટ આપવામાં આવી છે.
પ્રકાશ સિંહ બાદલ લડશે ચૂંટણી
પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. હવે શિરોમણી અકાલી દળે જાહેરાત કરી છે કે પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પણ ચૂંટણી લડશે. તે સિવાય પૂર્વ મંત્રી બિક્રમ મજીઠિયા બે બેઠકો પરથી ચૂંટણી લડશે. મજીઠિયા અમૃતસર ઇસ્ટથી ચૂંટણી લડીને કોગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને ટક્કર આપશે. તે સિવાય તેઓ પોતાની જૂની બેઠક મજીઠાથી પણ ચૂંટણી લડશે.