IMD rain alert August 2: જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જરા થોભી જજો! હવામાન વિભાગ (IMD) દ્વારા એક મોટી અને મહત્વની ચેતવણી આપવામાં આવી છે. અત્યારે દેશભરમાં મેઘરાજા જાણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે અને અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિએ ચિંતા વધારી છે. આ બધાની વચ્ચે, 2 ઓગસ્ટથી ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 13 જેટલા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન 30 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાની પણ પૂરી સંભાવના છે. ચાલો વિગતે જાણીએ કે દેશના અલગ-અલગ રાજ્યોમાં આવતીકાલથી હવામાનનો મિજાજ કેવો રહેશે.

Continues below advertisement

ચોમાસાની વર્તમાન સ્થિતિ શું છે?

હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં ચોમાસાનો પશ્ચિમ છેડો તેની સામાન્ય સ્થિતિ કરતાં થોડો દક્ષિણ તરફ છે, જ્યારે પૂર્વ છેડો ઉત્તર તરફ ખસી ગયો છે. આ સિસ્ટમના કારણે જ ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત, દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કેરળ, દરિયાકાંઠાના કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે પવન સાથે પૂર અને ભૂસ્ખલનનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. દરિયામાં પણ ભારે કરંટ હોવાથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં માછીમારોને ન જવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

Continues below advertisement

આવતીકાલે એટલે કે 2 ઓગસ્ટના રોજ ખાસ કરીને પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, ગુજરાત, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ, પૂર્વી રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલય અને આસામ સહિતના 13 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. જોકે રાહતની વાત એ છે કે ત્યારબાદ ધીમે ધીમે વરસાદનું જોર ઘટી શકે છે.

વિવિધ રાજ્યોમાં આગામી દિવસોની આગાહી:

દિલ્હી-NCR: ગરમીથી મળશે રાહત (2 થી 5 ઓગસ્ટ)

દિલ્હીવાસીઓ માટે ખુશખબર છે કે આગામી અઠવાડિયે વાતાવરણ એકદમ ખુશનુમા રહેશે. 2 થી 5 ઓગસ્ટ વચ્ચે વાદળછાયા વાતાવરણ સાથે હળવો કે ઝરમર વરસાદ પડી શકે છે. 2 ઓગસ્ટે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. સતત વાદળો રહેવાથી લોકોને આકરા તાપ અને બફારામાંથી રાહત મળશે.

ઉત્તર પ્રદેશ: ભારે વરસાદનું એલર્ટ (2 થી 7 ઓગસ્ટ)

યુપીમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. 2 થી 7 ઓગસ્ટ સુધી પૂર્વી યુપીના લખનૌ, સીતાપુર, અયોધ્યા, ગોંડા, બહરાઇચ, ગોરખપુર, બલિયા અને ગાઝીપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે પશ્ચિમ યુપીના મેરઠ, મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ, મથુરા અને આગ્રા પંથકમાં પણ 3 થી 7 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

બિહાર: તોફાની પવન સાથે મેઘમહેર (2 થી 6 ઓગસ્ટ)

બિહારમાં 2 થી 6 ઓગસ્ટ દરમિયાન પટના, ગયા, નાલંદા, ભોજપુર, મુઝફ્ફરપુર અને કિશનગંજ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી છે. આ દિવસોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

પહાડી રાજ્યો (હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ): (2 થી 7 ઓગસ્ટ)

હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કુલ્લુ અને કાંગડા જેવા જિલ્લાઓમાં 2 થી 7 ઓગસ્ટ વચ્ચે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે. તેવી જ રીતે ઉત્તરાખંડના દહેરાદૂન, નૈનીતાલ, હરિદ્વાર અને ચમોલી સહિતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડી શકે છે.

જમ્મુ અને કાશ્મીર: વહીવટીતંત્ર સતર્ક (2 થી 4 ઓગસ્ટ)

અહીં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. તાજેતરમાં શોપિયાં જિલ્લાના પેહલીપોરામાં વાદળ ફાટવાની ઘટના બની હતી. નદી-નાળાઓ તોફાને ચડ્યા છે, જેને પગલે 4 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

રાજસ્થાન: ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ

લો-પ્રેશર સિસ્ટમના કારણે 1 અને 2 ઓગસ્ટે દક્ષિણ રાજસ્થાનના ઉદયપુર અને જોધપુર વિસ્તારમાં અતિભારે વરસાદ થઈ શકે છે. જોકે 3 ઓગસ્ટથી દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ ઘટશે, પરંતુ બિકાનેર, જયપુર અને ભરતપુર પંથકમાં 5 ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

તમિલનાડુ: કાંઠા વિસ્તારોમાં ભારે પવન

દક્ષિણમાં તમિલનાડુના કોઈમ્બતુર, નીલગિરિ અને કન્યાકુમારી જેવા પહાડી જિલ્લાઓમાં 1 થી 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. ઉત્તરી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી લોકોને સતર્ક રહેવા જણાવાયું છે.