Lok Sabha Election: રાજ્યમાં લોકસભા ચૂંટણી માહોલ જામ્યા છે, ભાજપે રાજ્યમાં તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, પરંતુ હજુ કોંગ્રેસ ઉમેદવારો માટે મંથન કરી રહ્યું છે. હાલમાં સુત્રો દ્વારા માહિતી છે કે, કોંગ્રેસ મહેસાણા બેઠક અને વિજાપુર બેઠક પરથી પેટાચૂંટણી માટે ઉમેદવારો માટે મંથન કરી રહ્યુ છે. આ માટે કેટલાક નામો ચર્ચામાં છે. અત્યારે ગુજરાતમાં સંગઠન પ્રભારી મુકુલ વાસનિક સાથે બેઠકનો દૌર શરૂ થયો છે. 


રાજ્યમાં લોકસભાની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે, આ માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. રાજ્યમાં મહેસાણા બેઠક પર ઉમેદવારી અંગે કોંગ્રેસ અવઢવમાં છે, ભાજપે અહીં પહેલાથી પાટીદાર ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. ત્યારે કોંગ્રેસ નવી રણનીતિ પ્રમાણે નેતાને મેદાનમાં ઉતારી શકે છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, મહેસાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઈને આજે કોંગ્રેસનું મંથન કરશે. આજે સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં આ અંગે મેગા મંથન થશે. આ બેઠકમાં મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભાના બન્નેના ઉમેદવારો અંગે ચર્ચા થશે. મહેસાણાના સ્થાનિક આગેવાનો અને પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરાશે. સુત્રો તરફથી જાણવા મળેલી માહિતી પ્રમાણે, મહેસાણા બેઠક પર કોંગ્રેસ ઠાકોર સમાજના ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપના પાટીદાર ઉમેદવાર સામે કોંગ્રેસ ઠાકોર ઉમેદવારને ઉતારી શકે છે. સુત્રો અનુસાર, કોંગ્રેસ અલ્પેશ ઠાકોરના જુના સાથી રામજી ઠાકોરને મહેસાણા બેઠક પરથી મેદાનમાં ઉતારી શકે છે. આ ઉપરાંત મહેસાણા બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે, આ લોકોનને પણ કોંગ્રેસ ટિકીટ આપી શકે છે.


આ તબક્કામાં યોજાશે મતદાન


દેશમાં લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.



  • પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

  • બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. 

  • ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.

  • ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.