Lok Sabha Election 2024: ગુજરાતમાં આ લોકસભાની જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે, ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં છે. ભાજપ ફરી એકવાર રાજ્યની તમામ 26 બેઠકો જીતવા માટે મેદાનમાં ઉતર્યુ છે, તો કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સંગઠનો રૂપાલાની રાજકોટથી ટિકીટને રદ્દ કરવા માટે માંગ કરી રહ્યાં છે. ત્યારે હવે ખુદ પીએ મોદી રાજકોટમાં સભાને સંબોધિત કરવા ગુજરાત આવી રહ્યાં છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસની ડિટેલ્સ સામે આવી છે. જુઓ.....


ગુજરાતમાં ક્ષત્રિય અને રૂપાલા વિવાદની વચ્ચે આગામી દિવસોમાં ગુજરાતમાં પીએમ મોદી પ્રવાસ કરશે. લોકસભાની ચૂંટણી માટે પીએમ મોદી ગુજરાતમાં ચાર ઝૉનમાં છ જનસભાને સંબોધશે. માહિતી પ્રમાણે, પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં આગામી સમયમાં લોકસભામાં ભાજપ માટે પ્રચંડ પ્રચાર કરશે. 19 એપ્રિલ પછી પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ છે, તે અનુસાર, રાજ્યમાં કુલ 4 ઝોનમાં 6 જાહેરસભાને પ્રધાનમંત્રી સંબોધિત કરશે. જેમાં 22 એપ્રિલે રાજકોટમાં પીએમ મોદીની એક જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જાહેરસભાની સાથે પ્રધાનમંત્રીના રૉડશૉનું પણ આયોજન કરાયુ છે. સુત્રો અનુસાર, પીએમ મોદી ગુજરાતમાં એક દિવસમાં બે સભાને સંબોધન કરી શકે છે.


રાજકોટમાં ઘમાસાણ, ભાજપ Vs ક્ષત્રિયો વિવાદ વચ્ચે 14મીએ ક્ષત્રિયોનું મહાસંમેલન, તો ભાજપ 16મીએ કરશે મહારેલી


રાજ્યમાં રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયો વચ્ચેની લડાઇ વધુ ઉગ્ર બની રહી છે. એકબાજુ ભાજપ રાજકોટમાંથી રૂપાલાને હટાવવાની ના પાડી રહ્યું છે, તો બીજીબાજુ ક્ષત્રિય સમાજ રાજકોટમાંથી રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે. ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો પર એક બિનરાજકીય સંમેલનમાં અભદ્ર ટિપ્પણી કરી હતી. જે પછી રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો, જે હજુ પણ યથાવત છે. હવે આ બધાની વચ્ચે બન્ને પક્ષો રાજકોટમાં ધમાસાણ કરવા ઉતરી રહ્યા છે. 14મી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજે મહાસંમેલન કરવાનું નક્કી કર્યુ છે, તો સામે ભાજપે 16મી એપ્રિલ મહા સભા કરવાનું એલાન કર્યુ છે. હાલમાં બન્નેએ પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.


ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની લડાઇ રાજકોટમાં વધુ ઉગ્ર બનશે, હાલમાં જ ક્ષત્રિય સમાજે એલાન કર્યુ છે કે, આગામી 14મી એપ્રિલે રાજકોટમાં મહાસંમેલન યોજાશે, જેમાં એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાની રાજકોટમાંથી ટિકીટને રદ્દ કરવી જોઇએ. ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભાએ આજે નિવેદન કર્યુ છે, તે પ્રમાણે, આ આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે. રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. 


રૂપાલા વિરૂદ્ધ હવે ક્ષત્રિય આગેવાન રમજુભાએ એલાન કર્યુ છે કે, આગામી 14મી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. આ મહાસંમેલન રતનપર નજીકના રામ મંદિર સામે યોજાશે. સંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકોને ઉપસ્થિત રહેવા આહ્વાન કરવામાં આવ્યુ છે. રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા ક્ષત્રિય સમાજ અડગ છે. રમજુભાએ વધુમાં કહ્યું કે, આ આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે, આ રાજકીય નહીં, સામાજિક આંદોલન છે. આ આંદોલનનો રાજકીય ઉપયોગ નહીં થાય. રૂપાલાની ટિકીટ રદ્દ થવી જોઈએ તેવી સમાજની માંગ છે. 


ક્ષત્રિયો અને રૂપાલા વિવાદની વચ્ચે હવે ભાજપ પણ અડગ છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં ભાજપનું સંમેલન યોજાશે. માહિતી પ્રમાણે આગામી 14મી એપ્રિલે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાશે, સામે 16મી એપ્રિલે ભાજપ પણ સંમેલન યોજશે. 16મી એપ્રિલે રાજકોટના રેસકૉર્સમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. વિજય વિશ્વાસ સંમેલનની ભાજપે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંબોધન બાદ લોકસભા બેઠક પર રૂપાલા ઉમેદવારી પત્રક ભરશે. ભાજપે આ દરમિયાન જણાવ્યુ છે કે, કોંગ્રેસમાથી પરેશ ધાનાણી ચૂંટણી લડે તો પણ ભાજપને ફરક નહીં પડે. પરેશ ધાનાણી કવિતા લખવામાં જ માહિર છે.