રીલ લાઇફમાંથી રીયલ લાઇફમાં હીરોઇન બની રાજકોટની મહિલા પોલીસકર્મી, ફિલ્મ 'રણભૂમિ' માં મળ્યો લીડ રૉલ, વાંચો ખાસ ઇન્ટરવ્યૂ...

વર્ષ 2017થી ગુજરાત પોલીસમાં અને રાજકોટ ખાતે ફરજ બજાવનારી મહિલા કૉન્સ્ટેબલ શીતલ પટેલે  વાતચીતમાં જણાવ્યું હતું કે, ''મારા પિતા ગત જૂન મહિનામાં જ શિક્ષણ વિભાગમાંથી રિટાયર્ડ થયા છે

Continues below advertisement

Rajkot Woman Police Constable: રાજકોટ શહેર પોલીસ કમિશનરના ફિંગર પ્રિન્ટ વિભાગમાં ફરજ બજાવનારી મહિલા કૉન્સ્ટેબલ શીતલ પટેલ હાલ પોતાની રીલ અને રીયલ લાઈફને લઇને ચર્ચાનું કેન્દ્ર બની છે. ડિસિપ્લિનરી ફોર્સમાં કામગીરી કરતા કરતા એક મહિલા કૉન્સ્ટેબલે ફિલ્મ જગતમાં પગ માંડ્યો હોય તેવો કદાચ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. 

Continues below advertisement

પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કરતા કરતા શીતલ પટેલે પોતાનું સ્વપ્ન પણ સાકાર કર્યું છે. થોડા સમય પૂર્વે ગુજરાતી ફિલ્મ આવી હતી જેનું નામ હતું ''રણભૂમિ''. ''રણભૂમિ'' ફિલ્મ કચ્છના એક નાનકડા એવા ગામમાં શૂટ કરવામાં આવી હતી. ફિલ્મની કહાની કંઈક એવી છે કે, ગામની દીકરી શહેરમાં ભણવા ગણવા માટે જાય છે અને ત્યારબાદ તે પોતાના ગામ ખાતે પરત આવે છે. ત્યારબાદ પોતાના ગામની સરપંચ બને છે અને ગામની કાયાપલટ કરે છે. મહિલા સશક્તિકરણ ઉપર બનેલી આ ફિલ્મને લઈ તેની લીડ એક્ટ્રેસ અને રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીના ફિંગર પ્રિન્ટ વિભાગમાં ફરજ બજાવનારી શીતલ પટેલ હાલ ચર્ચાનું કેન્દ્ર બને છે. ડિસિપ્લિનરી ફોર્સ સાથે જોડાયેલી શીતલ પટેલે થોડા મહિનાઓ પૂર્વે રિલીઝ થયેલી ફિલ્મ ''રણભૂમિ''માં લીડ એક્ટ્રેસની ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે.

વર્ષ 2017થી ગુજરાત પોલીસમાં અને રાજકોટ ખાતે ફરજ બજાવનારી મહિલા કૉન્સ્ટેબલ શીતલ પટેલે  વાતચીતમાં જણાવ્યું હતું કે, ''મારા પિતા ગત જૂન મહિનામાં જ શિક્ષણ વિભાગમાંથી રિટાયર્ડ થયા છે. મારા પિતાનું સ્વપ્ન હતું કે હું પણ તેમની જેમ સરકારી નોકરી મેળવું અને સમાજની સેવા કરું. ત્યારે પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મેં ગુજરાત પોલીસમાં ભરતી થવાનો નિર્ણય લીધો હતો. તેના માટે કપરામાં કપરી શારીરિક કસોટી પણ પાર કરવા માટે મહેનત કરી હતી. તેમજ શરૂઆતનું મારુ પોસ્ટિંગ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં થયું હતું. ત્યારબાદ મારુ પોસ્ટિંગ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીના ફિંગર પ્રિન્ટ વિભાગમાં થયું છે.'

વધુમાં શીતલ પટેલે કહ્યું કે, ''પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે હું પોલીસમાં ભરતી થઈ હતી. પરંતુ મારી વ્યક્તિગત લાગણી અને મારું સ્વપ્ન ફિલ્મમાં કામ કરવાનું હતું. હું જ્યારે અભ્યાસ કરતી હતી તે સમયે પણ નાટકોમાં ભાગ લેવો મને ખૂબ જ ગમતો હતો. ત્યારે 'રણભૂમિ'ની લીડ એક્ટ્રેસ સહિતનાઓ બાબતેની જાહેરાત મેં ન્યૂઝ પેપરમાં વાંચી હતી. ત્યારબાદ મેં અમદાવાદ ખાતે ઓડીશન પણ આપ્યું હતું જેમાં હું સિલેક્ટ થતા અંદાજિત એક મહિના જેટલો સમય ફિલ્મના શૂટિંગમાં લાગ્યો હતો.'' સાથે જ તેમણે કહ્યું કે, ''કામ કરવા માટે મારે ગૃહ વિભાગમાંથી ખાસ મંજૂરી પણ મેળવવી પડી હતી. જેના માટે મારા પીઆઈ, ડીસીપી તેમજ શહેર પોલીસ કમિશનર સહિતનાઓનો મને સાથ તેમજ સહકાર મળ્યો હતો. મારા ઉપરી અધિકારીઓએ માત્ર એટલું કહ્યું હતું કે, 'ખાખીને ડાઘ ન લાગે તે જોજો અને પ્રોટોકોલમાં રહીને કામકાજ કરજો.' ''

વધુમાં કહ્યું કે, '' 'રણભૂમિ' મહિલા સશક્તિકરણનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. ફિલ્મ 'રણભૂમિ'માં મારા પાત્રનું નામ લીલા છે. મેં ગામની સરપંચ તરીકે ભૂમિકા ભજવી છે. તેમજ ગામની મહિલાઓ કઈ રીતે પોતાના પગ ઉપર ઊભી થઈ છે તેમજ શાસ્ત્રની સાથે શસ્ત્રનું પણ પ્રદર્શન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે.'' આ ઉપરાંત તેમણે કહ્યું કે, ''ખાસ કરીને ડિસિપ્લિનરી ફોર્સ સાથે જોડાયેલી મહિલા પોલીસને મારે એટલી જ અપીલ કરવાની છે કે, ડિસિપ્લિનરી ફોર્સમાં આવ્યા બાદ પણ આપણે આપણા જે સ્વપ્ન હોય છે તે સાકાર કરી શકીએ છીએ. હું વિનંતી કરું છું કે, આપણામાંથી કોઈ એક ક્યારેય પોતાના સ્વપ્નોને મારી ન નાખવા જોઈએ તેમજ પોતાના સ્વપ્નો કઈ રીતે સાકાર કરી શકાય તે તરફ પ્રયત્ન કરવા જોઈએ.'' છેલ્લે તેમણે એવું પણ કહ્યું કે, ''ફિલ્મ 'રણભૂમિ' કર્યા બાદ મારી પાસે અનેક ફિલ્મની ઓફર પણ આવી હતી. પરંતુ મારી એક બાબત નક્કી છે કે મારે માત્ર અને માત્ર ગુજરાતી ભાષા માટે, ગુજરાતી ફિલ્મ માટે, ગુજરાતી કલા જગત માટે કામ કરવું છે. આગામી સમયમાં પણ જો કોઈ સારી સ્ક્રિપ્ટ મારી પાસે લઈને આવશે તો હું ચોક્કસ તે અંગે વિચારીશ અને ભવિષ્યમાં પણ હું ફિલ્મી પડદે જોવા મળીશ.''

Continues below advertisement
Sponsored Links by Taboola