સુરતઃ સુરતના પાસોદરાની દીકરી ગ્રીષ્મા વેકરિયાની આજે અંતિમ યાત્રા નીકળી હતી. પરિવારે આક્રંદ સાથે દીકરીને વિદાય આપી હતી. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી પડી હતી. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરાયા નહોતા. પિતા જ્યારે સુરત આવ્યા તો દીકરીના મૃતદેહને જોઈ ઢળી પડ્યા હતા. માતા-પિતાના આક્રંદ જોઈ ત્યાં હાજર સૌ કોઈ શોકમગ્ન થઈ ગયું હતું. ગ્રીષ્માની અંતિમયાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. રસ્તામાં બે કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ ભારે હૃદયે બહેનના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોએ ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી. નોંધનીય છે કે 12 ફેબ્રુઆરીના ફેનિલ ગોયાણી નામના યુવકે એક તરફી પ્રેમમાં જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી.
બીજી તરફ અમદાવાદમાં પ્રદેશ કૉંગ્રેસના નેતાઓએ પ્રભારી ડૉ. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કૉંગ્રેસના નેતાઓએ આ ઘટનાને પગલે વિરોધ પ્રદર્શન યોજ્યું. કૉંગ્રેસ ભવનથી કૉંગ્રેસના નેતાઓએ રેલી યોજી હતી. કોગ્રેસના પ્રભારી અને પ્રમુખે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી. વધુમાં કૉંગ્રેસ નેતાઓએ કહ્યું કે ખુલ્લેઆમ દિકરીની હત્યા થઈ રહી છે તેમ છતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ચૂપ છે. જો હર્ષ સંઘવી રાજીનામું નહીં આપે તો તેને શોધવામાં આવશે અને બોચી પકડીને રાજીનામુ માગવામાં આવશે તેવી કૉંગ્રેસના નેતાઓએ ચીમકી આપી હતી. એટલુ જ નહીં ગુજરાત અને દિકરીના પરિવારની હર્ષ સંઘવી માફી માગે તેવી પણ માગ કરી હતી. આગામી દિવસોમાં વધતી જતી ગુનાખોરીને લઈને કૉંગ્રેસના નેતાઓ રસ્તા પર ઉતરવાની ચીમકી આપી હતી. કૉંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈને અગાઉથી જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રેલી સ્વરૂપે કૉંગ્રેસના કાર્યકરો પાલડી ચાર રસ્તા પહોંચે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી.