Govind Dholakia: ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.


રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ ગોવિંદ ધોળકિયાએ શું કહ્યું?


રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ ગોવિંદ ધોળકિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, સવારે 10 વાગે અમિત શાહનો ફોન આવ્યો હતો પણ મેં કહ્યું કે હું રાજકીય વ્યક્તિ નથી. તો અમિત શાહે કહ્યું કે તમે ફોર્મ ભરી દો. તમે અત્યારે જે સેવા કરો છો એજ સેવા કરવાની છે.


અમરેલીના વતની છે ગોવિંદ ધોળકિયા


ગોવિંદ ધોળકિયા  અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. તેમણે સૌરાષ્ટ્રમાં જળસંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ધોળકિયા નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે.


હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ મૂઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દૂધાળાના વતની ગોવિંદભાઈએ સાઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો.

માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક SRK એમ્પાયર ઊભું કર્યું છે, જેમાં 6000થી વધુ લોકોને રોજગારી મળે છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એક સફળ ઉદ્યોગપતિની જિંદગી ઝાકમઝોળથી ભરેલી હોય એવી માન્યતાને સાદગીભર્યું સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદકાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમનાં સામાજિક કાર્યોમાં દર્શાવી છે. તેમની આ સિદ્ધિને ધ્યાને લઈ અમદાવાદની ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ડો.ગોવિંદભાઈ ધોળકિયા ભલે ઓછું ભણેલા હશે, પણ એમની કોઠાસૂઝ કોઈપણ કોર્પોરેટને શરમાવે એવા વ્યવસાયી છે.


2021માં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડના યોગ ટીચર બ્રેઇન ડેડ જાહેર થતા તેમનું લીવર ગોવિંદભાઈ ધોળકિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.  


રતન ટાટાથી લઈ પીએમ મોદી સાથેની ગોવિંદ ધોળકિયાની આ તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય