સુરત: કેંદ્રની મોદી સરકાર (Modi Government) તરફથી ગુજરાતને (Gujarat) વધુ એક ભેટ આપવામાં આવી છે. આગામી સમયમાં સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાથી (Hajira Diu Cruise Service) શરૂઆત કરવામાં આવશે. 300 મુસાફરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબિન હશે. દર સોમવારે અને બુધવારે સાંજે હજીરાથી ક્રુઝ ઉપડશે. જે બીજા દિવસે સવારે દીવ પહોંચશે. હજીરાથી દીવ સુધીના એક તરફી મુસાફરી માટે આશરે 13થી 14 કલાકનો સમય લાગશે.
આવતીકાલે થશે શરૂઆત
સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 31 માર્ચના રોજ સાંજે 4.30 કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.
કેટલો લાગશે સમય અને કેવી હશે સુવિધા
આ ક્રુઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13 થી 14 કલાકનો સમય લાગશે. 300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. આ ક્રુઝમાં ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
હજીરા-ઘોઘા રો-પેક્સને શાનદાર પ્રતિસાદ
ચાર માસ પૂર્વે જ પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ઘોઘા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજ્જારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં હસ્તે 31 માર્ચના રોજ વર્ચ્યુઅલી કરવામાં આવશે.