Blast in Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બે મોટા બ્લાસ્ટ થયા છે. આમાંથી એક વિસ્ફોટ અહીંની હજારા મસ્જિદમાં થયો હતો. એક રિપોર્ટ અનુસાર, આ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ (IS)એ લીધી છે. વિસ્ફોટમાં મોટાભાગના પીડિતો બાળકો અને મહિલાઓ છે.
એક રિપોર્ટ અનુસાર, આ વિસ્ફોટો કાબુલના પશ્ચિમી વિસ્તારમાં થયા હતા. જેમાં હજારા અને શિયા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. કાબુલના સર-એ-કરીઝ વિસ્તારમાં આવેલી મસ્જિદ ઇમામ મોહમ્મદ બાકેરમાં વિસ્ફોટ થયો હતો. કાબુલમાં જે વિસ્તારમાં વિસ્ફોટ થયો તે રહેણાંક વિસ્તાર છે. અહીંની મુખ્ય વસ્તી શિયા મુસ્લિમોની છે.
અફઘાન પોલીસનું કહેવું છે કે આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. ઇસ્લામિક સ્ટેટે તેના નિવેદનમાં કહ્યું હતું કે 20 લોકોના મોત અને ઇજાગ્રસ્તો થયા છે
રોયટર્સના સમાચાર અનુસાર, આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોને દોડતા જોઇ શકાય છે. સાથે જ લોકો ઘાયલોની મદદ માટે આગળ આવી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં શિયાઓ પર અનેક હુમલા થયા છે. તેઓ અહીં લઘુમતી છે. ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદી જૂથો 2014થી અફઘાનિસ્તાનમાં સક્રિય છે, જે દેશની સુરક્ષા માટે પડકાર બની રહ્યા છે.