Biden Administration Proposes Higher Us Visa Fees : અમેરિકા જઈને નોકરી-ધંધો કરવા ઈચ્છા ભારતીયો માટે માઠા સમાચાર છે. જો બાઈડન વહીવટીતંત્રે નોન-ઇમિગ્રન્ટ એમ્પ્લોયમેન્ટ-આધારિત વિઝા ફીમાં ભારે વધારો કરવાની દરખાસ્ત કરી છે. તેમાં H-1B અને L વિઝા (એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર)નો સમાવેશ થાય છે. આ વિઝા ફી અમેરિકી એમ્પ્લોયર કંપનીઓ દ્વારા વહન કરવામાં આવે છે. આ સ્થિતિમાં આ પ્રસ્તાવના અમલીકરણથી અપ્રવાસી કર્મચારીઓની ભરતીના ખર્ચમાં ભારે વધારો થવાની સંભાવના છે. ઇન્વેસ્ટમેન્ટ ગ્રીન કાર્ડ મેળવવા માંગતા લોકોએ હવે માત્ર પ્રારંભિક અરજી માટે જ 11,160 ડોલર ચૂકવવા પડશે. બાઈડન પ્રશાસનના આ પ્રસ્તાવથી અગાઉની ફીમાં અધધ 204 ટકાનો વધારો થશે.


USCISએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો


મંગળવારે મોડી રાત્રે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) દ્વારા ફી વધારવાનો આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ 469 પાનાના વિગતવાર દસ્તાવેજમાં સમાયેલ છે. જો કે, આ ફી વધારો તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. વહીવટી પ્રક્રિયાની જરૂરિયાતો અનુસાર, દરખાસ્ત પર સાર્વજનિક અભિપ્રાય માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સ્થિતિમાં સુધારેલી ફીને વાસ્તવિકરૂપે લાગુ કરવામાં થોડા મહિના લાગી શકે છે.


ખર્ચ નથી વસુલાતો : એજન્સીનો દાવો  


USCISના લગભગ 96 ટકા ભંડોળ આવી ફાઇલિંગ ફીમાંથી મેળવવામાં આવે છે. કોરોના વાયરસ રોગચાળાએ યુએસ ઇમિગ્રેશન સર્વિસીસની કમાણી પર પણ ગંભીર અસર પહોંચાડી છે. સ્ટાફની અછતથી ત્રસ્ત અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી પર જૂની અરજીઓ મંજૂર કરવાનું દબાણ વધી ગયું છે. તેની અખબારી યાદીમાં એજન્સીએ જણાવ્યું હતું કે, સૂચિત ફી યુએસસીઆઈએસ ખાતે વ્યાપક ફી સમીક્ષાનું જ પરિણામ છે. આ સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે, એજન્સીની હાલની ફીમાં 2016થી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માટે આ એજન્સી કામગીરીની વસૂલવામાં કિંમત ઘણી ઓછી છે.


ટ્રમ્પે પણ ફી વધારવાનો પ્રયાસ કર્યો હતો


આ અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના કાર્યકાળ દરમિયાન વિઝા ફી વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ તેમના પ્રસ્તાવની ઇમિગ્રન્ટ સંસ્થાઓ અને વિપક્ષી નેતાઓ દ્વારા ઉગ્ર ટીકા કરવામાં આવી હતી. ટ્રમ્પ વિઝા ફીમાં નોંધપાત્ર વધારો કરવા માંગતા હતા. તેમણે અમેરિકામાં પહેલીવાર આશ્રય મેળવનારાઓ પાસેથી 50 ડોલર ફી વસૂલવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. ટ્રમ્પની દરખાસ્તથી ઓછી આવક ધરાવતા અરજદારો માટે ઘણી ફી માફી પણ ઓછી થઈ જાત. પરંતુ યુએસ ફેડરલ કોર્ટે 2020માં ટ્રમ્પની યોજનાને અટકાવી દીધી હતી.


સૌથી વધુ અસર ભારતીયોને થશે


બાઈડન વહીવટીતંત્રના વિઝા ફી વધારાના પ્રસ્તાવથી સૌથી વધુ અસર ભારતીય અને ચીની નાગરિકોને થશે. અમેરિકામાં આઈટી અને ફાર્મા જેવી કંપનીઓમાં ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં કામ કરે છે. ભારતીય વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર, અમેરિકામાં 12,80,000 ભારતીય NRI, 3180000 ભારતીય PIOS અને 4460000 વિદેશી ભારતીયો રહે છે. આ નાગરિકો પણ ત્યાંથી તેમની કમાણીનો મોટો હિસ્સો ભારતમાં રહેતા તેમના પરિવારોને મોકલે છે, જે સરકારને વિદેશી હૂંડિયામણ રિઝર્વ જાળવવામાં મદદરૂપ થાય છે.