મૉસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. પશ્વિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે. જેની સામે કાર્યવાહી કરતા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદનારા દેશોને રૂબલ (રશિયન ચલણ)માં ચૂકવણી કરવા કહ્યુ હતું. પુતિને ધમકી આપી હતી કે જો કોઇ ખરીદદાર દેશ રૂબલમાં પેમેન્ટ નહી કરે તો તેને ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવશે.
એક રિપોર્ટ અનુસાર યુરોપના ચાર દેશોએ પુતિનની આ શરતનો સ્વીકાર કર્યો છે અને રશિયાના ચલણ રૂબલમાં જ ગેસની ખરીદી કરી રહ્યા છે. જો કે આ ચાર દેશોના નામ આપવામાં આવ્યા નથી. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર, રશિયાની દિગ્ગજ ગેસ કંપની ગઝપ્રોમ પીજેએસસીના સૂત્ર અનુસાર, ચાર યુરોપિયન ગેસ ખરીદદારોએ રૂબલ્સમાં સપ્લાય માટે ચૂકવણી કરી દીધી છે. ક્રેમલિનની શરતો સમક્ષ અનેક દેશો ઝૂકી રહ્યા છે. નોંધનીય છે કે રશિયાએ પોલેન્ડ અને બુલ્ગારિયાને ગેસ સપ્લાય બંધ કરી દીધો.રશિયા યુરોપના 23 દેશોને પાઇપલાઇન દ્વારા ગેસ સપ્લાય કરે છે.
પુતિને કહ્યું હતું કે રશિયન ગેસના ખરીદદારોએ રશિયન બેન્કોમાં રૂબલ એકાઉન્ટ ખોલવા જોઇએ. એક એપ્રિલથી સપ્લાય કરવામાં આવેલ ગેસની ચૂકવણી આ ખાતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. જો રૂબલ ખાતામાંથી ચૂકવણી કરવામાં નહીં આવે તો રશિયા ખરીદદારોને ડિફોલ્ટર તરીકે ગણશે અને તેઓએ પરિણામ ભોગવવું પડશે.
જર્મનીએ કહ્યું- આ સીધું બ્લેકમેઇલિંગ છે
મોટાભાગના યુરોપિયન દેશોએ રૂબલમાં ચૂકવણી કરવાની માંગને નકારી કાઢી છે. રશિયન ગેસના સૌથી મોટા ગ્રાહક જર્મનીએ પુતિનની માંગને બ્લેકમેઇલિંગ ગણાવી છે. યુરોપ પહેલેથી જ કુદરતી ગેસના વધતા ભાવોથી પીડાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો રશિયા ગેસ સપ્લાય બંધ કરે છે તો યુરોપિયન દેશોમાં ભૂખમરો વધી શકે છે.
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી